વિરપુરના જુના રતનકુવા ગામે લાખોના ખર્ચે સમારકામ થયેલ ટાંકીમાં 15 વર્ષથી પાણીનુ ટીપુંય નહિ

લુણાવાડા, વિરપુર તાલુકાના જુના રતનકુવા ગામમાં આશરે 15 વર્ષ પહેલા ગ્રામજનો માટે લાખોના ખર્ચે પાઈપલાઈન મોટર સહિત પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જેમાં આજ દિન સુધી પાણીનુ ટીપું પાડવામાં ન આવતા ટાંકી જર્જરિત થઈ હતી. જુના રતનકુવા ગામની ટાંકી લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા બાદ પાણી પુરવઠા કે પંચાયત દ્વારા પાછલા 15 વર્ષથી પાણીનુ એકપણ ટીપું ન પડતા શોભાના ગાંઠિયા સમાન બની છે.

ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે,ગામના લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે ટાંકી બનાવવામાં આવી છે. પરંતુ તે બંધ હોવાથી વારંવાર રજુઆતો કરવા છતાં તંત્રના પેટનુ પાણી હાલતુ નથી. સરકાર દ્વારા લાખોના ખર્ચે બનાવવામાં આવેલ ટાંકી બિસ્માર હાલતમાં થતાં ટાંકીની આજુબાજુમાં ગંદકી અને ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. ત્યારે પાછલા 15 વર્ષથી ટાંકીમાં પાણીનુ ટીપું પણ પડયુ ન હતુ. 1 વર્ષ પહેલા આ ટાંકી જર્જરિત થતાં આ જ ટાંકીનુ રિનોવેશન કરી લાખો રૂપિયાના ખર્ચે સમારકામ કરવામાં આવ્યુ હતુ. તેમ છતાં આજદિન સુધી પાણીનુ ટીપું ન પડતા ગ્રામલોકોમાં રોષ જોવા મળ્યો હતો.પાણી પુરવઠાની યોજનાઓ માત્ર કોન્ટ્રાકટરો અને અધિકારીઓને કમાવવા માટે બનતી હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે. ત્યારે જુના રતનકુવા ગામના લોકોને પાણી પુરવઠા દ્વારા તાત્કાલિક ધોરણે પાણી પુરૂ પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.