સંજેલી,સંજેલી પંચાયતના કથળતા જતા વહીવટીથી લોકોને પ્રાથમિક સુવિધાથી વંચિત રહ્યા છે. નલ સે જલ યોજનાની લાખો રૂપિયા ખર્ચ કરાયા છતાં પણ યોજના ફારસરૂપ બની છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફળવાયેલા ટેન્કરોનો પણ દુરૂપયોગ થઈ રહ્યો છે. બે માસથી પંચાયતના વોટરવર્કસ સહિતના કર્મચારીઓના પગારની માંગને લઈને હડતાળ પર હોવાથી પંચાયતી તંત્ર રામ ભરોસે ચાલી રહ્યુ છે.
સંજેલીમાં વર્ષોથી ધરે ધરે નળ દ્વારા પીવાનુ પાણી આપવામાં આવી રહ્યુ છે. ગમે તેવા ઉનાળામાં પણ દિવસે વર્ષોથી પાણી આપવામાં આવતુ હતુ. પરંતુ છેલ્લા ધણા સમયથી મુખ્ય પાઈપલાઈનમાંથી ભુતિયા કનેકશન લઈ અને પંચાયતની નિષ્કાળજી અને બેદરકારીથી લોકોના ધર સુધી પાણી પહોંચતુ નથી. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને ધરની બહાર કામ વગર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. ચામડિયા ફળિયુ, મસ્જિદ રોડ, માંડલી રોડ, પંચાલ ફળિયુ, ઝાલોદ રોડ, ઠાકોર ફળિયુ, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવતુ નથી. લોકોને ટેન્કર દ્વારા રૂપિયા ખર્ચીને પાણી લેવા માટે પડાપડી કરવી પડી રહી છે. સંજેલી નગરમાં લાખો રૂપિયાના ખર્ચે નલ સે જલ યોજના હેઠળ લોકોને ધરે ધરે સુધી કનેકશન આપી અને પાણી પહોંચાડવા માટેની યોજના મંજુર કરવામાં આવી છે. જેના 70 ટકા જેટલી રકમ કોન્ટ્રાકટરને પહોંચાડી દેવામાં આવી છે. 20 થી 25 ટકા જેટલા જ વિસ્તારમાં નળ કનેકશન આપવામાં આવ્યુ છે. જે પણ શોેભાના ગાંઠિયા સમાન ઉભુ છે. 70 ટકા વિસ્તારમાં હજુ સુધી નલ સે જલ યોજના હેઠળ કનેકશનો આપવામાં આવ્યા નથી. તેમ છતાં તંત્ર દ્વારા 70 ટકા જેટલી રકમ ચુકવી દેવાઈ છે. પ્રજાને વિશેષ વેરાઓ ભરવા છતાં પણ ધરઆંગણે નળ કનેકશન આપવામાં આવ્યા નથી. કનેકશન આપ્યા છે ત્યાં પાણી પણ પહોંચાડ્યુ નથી. વધતી જતી મોંઘવારીને કારણે ગૃહિણીઓનુ બજેટ ખોરવાયુ છે. દરરોજનો 100થી 150 રૂપિયાનુ પાણી વેચાતુ લેવા મજબુર બન્યા છે.ગ્રામસભા તેમજ તાલુકા કક્ષાએ લેખિત તેમજ મોૈખિક રજુઆત કરી છે. છતાં પણ અધિકારીઓની સ્થળ પર મુલાકાત લેવા તૈયાર થતાં નથી. માત્ર પંચાયતને નોટિસ આપી સંતોષ માણી લે છે.