મેઘા એન્જિનિયરિંગ લિમિટેડ ચૂંટણીમાં ડોનેશન આપી રેકોર્ડ બનાવ્યો, હવે પૈસાના અભાવે ધંધો વેચવાની ફરજ પડી

નવીદિલ્હી,મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ચૂંટણી બોન્ડ ખરીદવામાં બીજી કંપની હતી. જે બાદ કંપની વિવાદોનો સામનો કરી રહી છે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. ચૂંટણી દાનના મામલામાં બીજા નંબરે આવીને હેડલાઇન્સ બનાવનારી આ કંપની આથક સમસ્યાનો સામનો કરી રહી છે અને તેના કારણે કંપનીએ પોતાનો બિઝનેસ વેચવાની ફરજ પડી છે.

અહેવાલ મુજબ, મેઘા એન્જિનિયરિંગ તેનો સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસ વેચવા માંગે છે. રિપોર્ટ અનુસાર, મેઘા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશને તેની કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે કંપનીએ સરકારી તેલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, ઈન્દ્રપસ્થ ગેસ અને અન્યનો સંપર્ક કર્યો છે.

મેઘા સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન એ શહેરની ગેસ વિતરણ કંપની છે અને તે મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મેઘા સિટી ગેસની દરખાસ્તો પર કેટલીક કંપનીઓ દ્વારા વિચારણા કરવામાં આવી છે. તેની દરખાસ્તનું મૂલ્યાંકન કરનાર એક્ઝિક્યુટિવને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે કંપનીએ જમીન પર કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી. તેના બિઝનેસની કિંમત ૧ થી ૨ હજાર કરોડ રૂપિયાની વચ્ચે આંકવામાં આવી શકે છે.

મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડનું નામ તાજેતરમાં જ પ્રકાશમાં આવ્યું હતું જ્યારે તે ચૂંટણી બોન્ડ ખરીદતી ટોચની કંપનીઓમાંની એક હોવાનું જાણવા મળ્યું હતું. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ તાજેતરમાં ચૂંટણી બોન્ડ ખરીદનારાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.એસબીઆઇ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડે કુલ ૯૬૬ કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. આ રીતે, મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ સૌથી વધુ સંખ્યામાં ચૂંટણી બોન્ડ ખરીદવામાં બીજી કંપની હતી.

મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એ હૈદરાબાદ સ્થિત કંપની છે, જે ઘણા સેગમેન્ટમાં બિઝનેસ કરી રહી છે. કંપનીનો બિઝનેસ હાઇડ્રોકાર્બન, ઇલેક્ટ્રિક બસ, ડિફેન્સ, પાવર, ટ્રાન્સપોર્ટ, મેન્યુફેક્ચરિંગ જેવા સેગમેન્ટમાં પણ ફેલાયેલો છે. ઈલેક્ટોરલ બોન્ડની યાદીમાં નામ આવ્યા બાદ કંપની ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહી છે.