
તાઇપે, યૂક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિમાં તાઇવાન પણ પોતાને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યું છે. ચીન સાથેના સંભવિત યુદ્ધની આશંકાથી તાઇવાનના લોકો પોતાને જ ટ્રેઇન કરી રહ્યા છે.
તેઓ નકલી મિસાઇલોનો વિસ્ફોટ કરવાથી લઈને ઘાયલ પડેલા લોકોને મદદ કરવા સુધીની યુદ્ધ દરમિયાન પડનારી દરેક મુશ્કેલીઓ માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કેમ કે,ચીન હવે તાઇવાનને કબજે કરવાની ફિરાકમાં દેખાઈ રહ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ શુક્રવારે સત્તા પર કબજો કરવાની પોતાની ક્ષમતાનું પરીક્ષણ કર્યું હતું. તેણે કહ્યું કે તેની સેનાઓએ તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેની ટિપ્પણીના જવાબમાં સ્વશાસિત ટાપુની આસપાસ મોટા પાયે અભ્યાસ શરૂ કર્યો છે. ચીનની ધમકી વચ્ચે તાઇવાનના લોકો યુદ્ધ સ્તરની તૈયારીઓ કરવા લાગ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તાઇવાનના લોકો નકલી લોહી અને નકલી અંગો દ્વારા પોતાને ટ્રેઇન કરી રહ્યા છે. જાન્યુઆરીના અંતમાં કુમા અકાદમીએ પણ આ પ્રકારની એક ડ્રિલ કરાવી હતી, જેમાં મિસાઇલ હુમલાનો સામનો કઈ રીતે કરવો તે બાબતની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
તાઇવાનના નવા રાષ્ટ્રપતિ ચિંગ તેએ તાઇવાન પર ચીનના સાર્વભૌમત્વના દાવાને નકારી કાઢયો હતો. તેનાથી ચીન અકળાયું છે. પીએલએના પૂર્વી થિયેટર કમાનના પ્રવક્તા લી શીએ કહ્યું કે સેના, નૌસેના, વાયુસેના અને રોકેટ દળોની સંયુક્ત સેનાઓએ બે દિવસીય અભ્યાસના સમાપનના દિવસે ક્ષેત્ર પર નિયંત્રણ અને કબજાનો અભ્યાસ પર યાન કેન્દ્રિત કર્યું હતું. આ યુદ્ધાભ્યાસ તાઇવાન દ્વીપની આસપાસ કરવામાં આવ્યો હતો.