- ભાજપના સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલ વિરમગામથી પોતાની ઉમેદવારી નોંધવી.
અમદાવાદ,
દેશના સૌથી મોટા રાજકીય પક્ષ કહેવાતા ભાજપના સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલે વિરમગામથી પોતાની ઉમેદવારી નોંધવી. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં હાર્દિક પટેલે વિરમગામમાં જંગી સભા યોજીને એક પ્રકાશે શક્તિપ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો. આ સમયે હાર્દિક પટેલે જાહેર મંચ પરથી કહ્યું કે, હું ૨૮ વર્ષનો છકડો છું- જેમ હંકારશો એમ આગળ વધીશ. પ્રધાનમંત્રી મોદી અને મક્કમ ગૃહ મંત્રી અમિત શાહે મને આટલી નાની ઉંમરમાં મોકો આપ્યો છે. સૌથી મોટા રાજકીય પક્ષમાં સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે મારી પસંદગી થઈ છે. આપણે એક મોટી જંગ લડવા નીકળ્યા છીએ.
હંમેશાની જેમ આજે પણ હાદક પટેલ સ્ટેજ પર ડાયલોગબાજી કરતા જોવા મળ્યાં. હાર્દિક પટેલે સભાને સંબોધતા જણાવ્યુંકે, વિરમગામથી જ્યારે હું ચૂંટણી જીતીશ ત્યારે હું એકલો ધારાસભ્ય નહીં બનુ પણ વિરમગામના ૩ લાખ લોકો ધારાસભ્ય બનશે. તમારું કોઈપણ કામ તમે મને હક્કથી કહી શકશો. અને તમે મને મત આપશો તો મારે તમારું કામ કરવું જ પડશે. મારા એફિડેવિટમાં કહ્યું છે એક લાખ પચ્ચીસ હજારનો મારો પગાર વિરમગામની પાંજરાપોળોમાં, દેત્રોજ અને માંડલની સામાજિક સંસ્થાઓના કલ્યાણ અર્થે વાપરવાનું પણ એફિડેવિટમાં કહ્યું છે. હું વિરામગામને જિલ્લો બનાવીને કરોડોની ગ્રાન્ટ અપાવીશ.
હાર્દિક પટેલે સંબોધનમાં કહ્યુંકે, કોંગ્રેસના ધારાસભ્યએ શું કામ કર્યું છે એ મારે પૂછવું છે. ૫૦-૬૦ વર્ષના ધારાસભ્યને તમે તુકારો નહીં દઈ શકો…તમે મને તુકારો દઈને કહી શકશો. તમારે મને હાર્દિક કે સાહેબ કહેવાની જરૂર નહીં પડે તમારા મને હાર્દિક કહીને બોલાવવાનો મને પણ આનંદ થશે. હું તમારું કામ નહીં કરું તો તમે મારા કામ પકડી શકો છો. નરેન્દ્ર ભાઈએ વિરમગામમાં માત્ર હાર્દિક નામનું પ્રતિક મોકલ્યું છે. આ વખતે વિરમગામ માટે આ છેલ્લો મોકો છેલ્લી તક છે. આમાં ચૂક્યાં તો બધા દુ:ખી થશો.
હાર્દિક પટેલે વધુમાં જણાવ્યુંકે, નીતિનભાઈ સાહેબને કહી શકું કે સાહેબ હવે તમારા કડી કરતા સવાયું અમારું વિરમગામ બનાવ્યું છે, મારે વિરમગામનો એવો વિકાસ કરવો છે. બધા કહે છેકે, નીતિનભાઈએ એમના કડીને ચમકાવી દીધું છે. તો મારે કડી કરતા પણ મારા વિરમગામને વધારે ચમકાવવું છે. અમદાવાદનો ૬૦૦ વર્ષનો ઈતિહાસ છે. મારા વિરમગામનો ૧૨૦૦ વર્ષ જુનો ઈતિહાસ છે. કોંગ્રેસના ધારાસભ્ય ફક્ત બહાનાબાજી કરે છે. અત્યાર સુધી વિરમગામનો વિકાસ નથી થયો. પણ હવે હું ધારાસભ્ય બનીને કામ કરીશ.
ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યાં. અલ્પેશ ઠાકોરે પણ વિરમગામની સભામાં ઉભા રહીને હાર્દિક પટેલ માટે મત માંગ્યાં. પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયા, પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ પણ હાજર રહ્યાં. સૌથી મોટી ઉંમરની પાર્ટીના સૌથી નાની ઉંમરના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલે ઉમેદવારી નોંધાવી છે.