ગાંધીનગર, રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ અંગે ઊંડાણપૂર્વકની તપાસ માટે રાજ્ય સરકારે તાકીદે, સીઆઇડી ક્રાઇમના એડીજી સુભાષ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને પાંચ સભ્યોની સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમની ની રચના કરી છે. આ ટીમ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ અંગેનો પ્રાથમિક અહેવાલ આગામી ૭૨ કલાકમાં રાજ્ય સરકારને સુપરત કરશે. જ્યારે તમામ પાસાઓને આવરી લેતો વિગતવાર અહેવાલ ૧૦ દિવસમાં સરકારને સોંપશે.
સીઆઈડી ક્રાઈમના એડીજી સુભાષ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને રચાયેલ સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞોનો સમાવેશ કર્યો છે. સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમમાં, સુભાષ ત્રિવેદી ઉપરાંત, ટેક્નિકલ એજ્યુકેશન કમિશનર બંછા નિધિ પાની, ગાંધીનગર એફએલએલના ડાયરેકટર એચ પી સંઘવી, અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જે એન ખડીયા, માર્ગ અને મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના સુપ્રીન્ટેન્ડિગ એન્જીનીયર એમ બી દેસાઈનો સમાવેશ થાય છે. સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમે, ગત રાત્રીથી જ તપાસ શરૂ કરી દીધી છે.
એસઆઇટીએ પ્રાથમિક અહેવાલ ૭૨ કલાક માં સરકારને સોંપવા આદેશ કરાયો છે. આ ઉપરાંત સ્પેશયલ ઈન્વેસ્ટીગેશન ટીમને એવો પણ આદેશ આપવામાં આવ્યો છે કે, રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ અંગે તમામ પાસાનો અભ્યાસ કરી વિગતવાર અહેવાલ દિન-૧૦માં રજૂ કરવાનો રહેશે.