દાહોદના નવાગામ પાસે જાન માંથી નવવધુના અપહરણ ગુનામાં વધુ ત્રણ ઈસમોને એલ.સી.બી.એ ઝડપ્યા

દાહોદ, દાહોદ તાલુકાના નવાગામ ખાતે ચોકડી પરથી જાનૈયાઓને બંદુકની અણીએ તેમજ મારક હથિયારોથી બાનમાં લઈ નવવધુના ચકચારી અપહરણના બનાવમાં પોલીસે થોડા દિવસો પહેલા નવવધુના પુર્વ પ્રેમી સહિત ચારની અટકાયત કરી હતી. ત્યારે અપહરણના ગુન્હામાં સંડોવાયેલ વધુ ત્રણ ઈસમોને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.

ગત તા.19મી મેના રોજ રાત્રીના સમયે દાહોદ તાલુકાના નવાગામ ચાર રસ્તા ખાતેથી પસાર થતી વરરાજા રોહીતભાઈ બાબુભાઈ અમલીયારની જાનને 14થી વધુ જેટલા ઈસમોએ મોટરસાઈકલ પર આવી બંદુકની અણીએ તેમજ મારક હથિયારોથી વરરાજા રોહીતભાઈ તથા જાનૈયાઓને બાનમાં લઈ નવવધુનું તેના પુર્વ પ્રેમી મહેશભાઈ ભુરીયા તથા તેના સાગરીતો દ્વારા નવવધુનું અપહરણ કરી લઈ ગયાં હતા. ત્યારે પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ આરંભ કરતાં દાહોદ એલસીબી પોલીસે નવવધુના પુર્વ પ્રેમી મહેશભાઈ ભુરીયા તથા તેની સાથેના અપહરણના ગુન્હામાં સંડોવાયેલ ચાર ઈસમોની પોલીસે મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી ઝડપી પાડી નવવધુને તેઓની ચંગુલમાંથી મુક્ત કરાવી હતી. ત્યારે અન્ય સહ આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ એલ.સી.બી. પોલીસે પુન: જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી રહી હતી. ત્યારે પોલીસે બનાવના સ્થળે તપાસ હાથ ધરતાં આ અપહરણના ગુન્હામાં સંડોવાયેલ પ્રવિણભાઈ પારસીંગભાઈ સંગાડી (રહે. ગુંદીખેડા, ડામોર ફળિયું, તા.જી.દાહોદ), ગોવિંદભાઈ ભારતભાઈ મેડા (રહે. ગુંદીખેડા, નિશાળ ફળિયું, તા.જી.દાહોદ) અને નરેશભાઈ વીછીયાભાઈ સંગાડીયા (રહે. રાછરડા, નીચવાસ ફળિયું, તા.જી.દાહોદ) નાની અટકાયત કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.