નાસિકમાં સોનાના વેપારીના ઘરમાંથી ૨૬ કરોડ રોકડા, ૯૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઇ

નાસિક, મહારાષ્ટ્રના નાસિકમાં આવકવેરા વિભાગની ટીમે સોનાના વેપારીના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી છે. આવકવેરા વિભાગની ટીમે અહીંથી ૨૬ કરોડ રૂપિયાની રોકડ અને ૯૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આવકવેરા વિભાગના દરોડા લગભગ ૩૦ કલાક સુધી ચાલુ રહ્યા. આવકવેરા વિભાગના અધિકારીઓએ બંગલામાં ફનચર તોડીને નોટો કાઢી લીધી હતી.

નાશિકના આ બુલિયન બિઝનેસમેનના ઘર પર દરોડાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. આવકવેરા વિભાગની ટીમે નાશિકના કેનેડા કોર્નર વિસ્તારમાં સ્થિત સુરાના જ્વેલર્સ અને તેના કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા. બે દિવસ સુધી ચાલેલા આ દરોડામાં આવકવેરા અધિકારીઓએ ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી. આવકવેરા વિભાગ દ્વારા કરચોરીની શંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

નાસિક, નાગપુર અને જલગાંવની ટીમોના ૫૦ અધિકારીઓએ મળીને આ કાર્યવાહીમાં ભાગ લીધો હતો. અચાનક દરોડાના કારણે ટેક્સ ચોરી કરનારા વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વાસ્તવમાં, છેલ્લા કેટલાક દિવસોથી ટેક્સ ચોરી કરનારા વેપારીઓ આવકવેરા વિભાગના રડાર પર છે. જે જગ્યાએ દરોડો ચાલી રહ્યો હતો ત્યાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા.

નાસિકની જેમ મનમાડ શહેરમાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે માલેગાંવમાં એક વેપારીના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી આવકવેરા વિભાગની ટીમ રાજ્યમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. આ દરોડામાં મોટી માત્રામાં બિનહિસાબી સંપત્તિનો ખુલાસો થઈ રહ્યો છે. નાશિકમાં બુલિયન વેપારીઓના ઘરો પર દરોડા પડતા ખળભળાટ મચી ગયો છે.