નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે પૂર્વ દિલ્હીમાં બાળકોની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના હદયસ્પર્શી છે અને આ મામલે બેદરકારી કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. આગની ઘટનામાં સાત નવજાત બાળકોએ જીવ ગુમાવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે જે લોકો બેદરકારી દાખવશે અથવા ખોટા કામ કરશે તેમને કડકમાં કડક સજા આપવામાં આવશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ પર એક પોસ્ટમાં, કેજરીવાલે કહ્યું કે સરકાર વિવેક વિહાર આગની ઘટનામાં પોતાના બાળકો ગુમાવનારા લોકોની સાથે છે અને વહીવટીતંત્ર ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને બેદરકારી દાખવનારાઓને બક્ષવામાં આવશે નહીં.
પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં લાગેલી આગમાં સાત નવજાત શિશુઓના મોત થયા છે. દિલ્હી ફાયર સવસના અધિકારીઓએ જણાવ્યું કે શાહદરા વિસ્તારમાં વિવેક વિહારમાં આવેલી બાળકોની હોસ્પિટલમાં શનિવારે રાત્રે આગ ફાટી નીકળી હતી. ડીએફએસના વડા અતુલ ગર્ગે જણાવ્યું હતું કે ૧૨ શિશુઓને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ તેમાંથી સાતના મોત થયા હતા.