દિલ્હીના કૃષ્ણા નગરમાં એક બિલ્ડિંગમાં આગ, ૩ લોકોના મોત

નવીદિલ્હી, દિલ્હીના વિવેક વિહાર બાદ કૃષ્ણા નગરમાં મકાનમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે અને ૧૦ લોકો ઘાયલ થયા છે. આગ ચાર માળની ઇમારતના પાર્કિંગમાં લાગી હતી. જેમાં ત્યાં પાર્ક કરેલા ૧૧ વાહનો આગની ચપેટમાં આવ્યા હતા. અને પહેલા માળ સુધી ફેલાઇ હતી. જે બાદ ઉપરનો માળ ધુમાડાથી ભરાઈ ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ આગની ઘટના મોડી રાત્રે ક્રિષ્ના નગરમાં બેંક ઓફ ઈન્ડિયાની પાસે નંબર એક છાછી બિલ્ડિંગમાં બની હતી. જેમાં દાઝી જવાથી ત્રણ લોકોના મોત થયા હતા. પાંચ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ જ્યારે ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને પહેલા માળે એક બળેલી લાશ મળી હતી અને ઉપરના માળેથી ૧૨ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ લોકોને જીટીબી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિને મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

પોલીસ રેકોર્ડ મુજબ, આ ઘટનામાં પરમિલા શાદ (૬૬) ની સળગી ગયેલી લાશ પહેલા માળેથી મળી આવી હતી. જ્યારે કેશવ શર્મા (૧૮) અને અંજુ શર્મા (૩૪)ને જીટીબી હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ સિવાય દેવેન્દ્ર (૪૧)ને ગંભીર હાલતમાં મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આગની આ ઘટનામાં રૂચિકા (૩૮), સોનમ શાદ (૩૮)ને હેડગેવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે અનેક લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે.

આ પહેલા શનિવારે મોડી રાત્રે વિવેક વિહારના ચાઈલ્ડ કેર યુનિટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ૧૨ બાળકોને બચાવી લેવાયા હતા, જેમાંથી સાત બાળકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જેમાંથી હાલ પાંચ બાળકો હોસ્પિટલમાં દાખલ છે અને એક બાળકને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. આગની આ ઘટના વિવેક વિહારના આઈટીઆઈ પાસે સ્થિત બેબી કેર સેન્ટરમાં શનિવારે રાત્રે લગભગ ૧૧.૩૨ કલાકે બની હતી. આ આગને કાબુમાં લેવા માટે નવ ફાયર ટેન્ડરો મોકલવામાં આવ્યા હતા. આ બેબી કેર સેન્ટર ૧૨૦ યાર્ડની બિલ્ડિંગમાં બનાવવામાં આવ્યું હતું. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.