રાજકોટ અગ્નિકાંડનો મૃત્યુઆંક ૩૨ થયો: તંત્રની બેદરકારી, રાજકોટનું ગેમઝોન ૪ વર્ષથી ફાયર એનઓસી કે મંજૂરી વિના જ ધમધમતું હોવાનો ખુલાસો

  • રાજકોટ ગેમઝોનની હૃદય ચીરનારી ઘટનાના એક દિવસ પહેલા મહત્વના સંકેત મળ્યા હતા?

રાજકોટ, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધીને ૩૨ સુધી પહોંચી ગયો છે. આ દર્દનાક ઘટનાને પગલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જ્યારે મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં તેમની સાથે અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત હતાં ઉલ્લેખનીય છે કે મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હવે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે ત્યાર બાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે ૪ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને ૫૦ હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

દરમિયાન એવી પણ માહિતી બહાર આવી છે કે ચારેક વર્ષથી ફાયર એન.ઓ.સી.સહિતની મંજુરી વગર ધમધમતો બે માળનો ’ટીઆરપી ગેમ ઝોન’માં માનવીય બેદરકારીના કારણે આગ લાગવા સાથે પલકવારમાં જ વિશાળકાય ડોમ સળગી ઉઠતા ૩૨ નિર્દોષ લોકો જીવતા સળગીને કોલસાની જેમ ભડથું થઈ ગયા હતા. રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે એસઆઇટી તપાસના આદેશ આપ્યા છે.ગુજરાતના ઈતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટવા માટે સરકારી તંત્રની ઘોર જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગી છે. અસંખ્ય લોકોના અત્યંત દર્દનાક, કમકમાટી ઉપજે તેવા મોત માટે તંત્રના આંખ મિચામણા જવાબદાર હોવાનું ખુલ્યું છે. આશરે ૨૦૦૦ ચો.મી.થી વધુ જગ્યામાં આ ગેઈમ ઝોન ચાર વર્ષથી ધમધમતો હતો છતાં આજ સુધી આ સ્થળ માટે ફાયર એન.ઓ.સી. લેવાયું નથી અને સેફટીના ધારાધોરણોનું પાલન ન્હોતું છતાં મહાપાલિકા, કલેક્ટર, પોલીસ સહિતના તંત્રોએ તેને ચાલવા દીધું છે.

આજે સ્થળ પર તપાસ કરતા ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે ફાયર સેફટી ના કેટલાક સાધનો પેટીપેક સીલબંધ હાલતમાં મળી આવ્યા હતા. બે માળનો વિશાળ ડોમમાં કોઈ હવા ઉજાસ ન્હોતો, બહાર નીકળવાના માર્ગો કે દ્વાર ન્હોતા. ડોમમાં વ્યાપક પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થો હતા, આખુ તોતિંગ સ્ટ્રક્ચર ટેમ્પરરી ખડકાયું હતું છતાં પૈસા લાલચુઓએ એક જ સ્થળે એન્ટ્રી અને એક્ઝીટ રાખી હતી અને પ્રાપ્ત વિગત અનુસાર એન્ટ્રી પાસે જ એ.સી.માં સ્પાર્ક કે અન્ય કારણથી આગ લાગી અને આગ પલકવારમાં તો આખા ડોમને લપેટમાં લઈ લીધો હતો અને તે કારણે લોકો સળગીને ભડથું થઈ ગયા હતા.

શહેરમાં આવા કામચલાઉ સ્ટ્રક્ચર અનેક સ્થળે ખડકાઈ ગયા છે જે અંગે મનપા સૂત્રોએ જણાવ્યું કે જી.ડી.સી.આર. નિયમ મૂજબ કોઈ સીમેન્ટ કોંક્રિટનું બાંધકામ હોય તો તેનો પ્લાન મંજુર કરાવીને કમ્પલીશન લેવાનું હોય છે પરંતુ, ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે આવી જોગવાઈ નથી. આ છટકબારીનો ગેઈમઝોન, હોટલો વગેરે માટે ભરપૂર દુરુપયોગ સરકારી તંત્રએ રાજકોટમાં થવા દીધો છે. આ માટે ૫ અધિકારીઓની એસઆઇટી ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ આઇપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં ૫ અધિકારીઓની ટીમ કેસની એસઆઇટી તપાસ કરશે.

એ યાદ રહે કે ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. આ અગ્નિકાંડ મુદ્દે પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની અટકાયત કરી છે.રાજકોટ બાર એસોસિએશને કોઇ પણ આરોપીઓનો કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો છે.

ઘટના સ્થળ પર રાત્રે ૩ વાગ્યે હાજર રહેલા પરેશ ધાનાણીએ આ મામલે નિંદા વ્યક્ત કરીને કેટલાક મોટા આક્ષેપો કર્યા છે. પરેશ ધાનાણીએ આ ઘટનાને હૃદય ચીરી નાખનારી ગણાવી છે, તેમણે કહ્યું કે, ગેમ ઝોન પાછ ૩-૪ વર્ષથી ચાલી રહ્યો છે. કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી વગર.. કોર્પોરેશનની મંજૂરી વગર.. મનોરંજન વિભાગની મંજૂરી વગર.. પોલીસની મંજૂરી વગર.. ફાયર સેફટી વિભાગની મંજૂરી વગર.. ગેમ ઝોન ધમધમી રહ્યો હતો.

પરેશ ધાનાણીએ અહીં પહોંચ્યા લોકોની પાસેથી માહિતી એકઠી કરી હતી, જેમાં તેમણે કહ્યું કે લોક મુખેથી જાણવા મળ્યું કે ગેમઝોનમાં શુક્રવારે સામાન્ય આગની ઘટનાએ સંકેત આપ્યા હતા. સામાન્ય આગની ઘટના બાદ પોલીસ અને ફાયર વિભાગે મુલાકાત લીધી હતી. જો શુક્રવારે જ સાવચેતીના પગલાં ભરવામાં આવ્યા હોય તો આ ઘટનાને રોકી શકાઈ હોત.

તેમણે ગેમઝોનની ફાયર સેફટી સહિત ઈમર્જન્સી એન્ટ્રી એક્ઝિટની રચના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આ બે માળના ગેમઝોનમાં ઉપર જવા અને નીચે આવવા માટે માત્ર એક જ સીડી હતી, આ સીડી પાસે જ આગની ઘટના બની હતી. જેના કારણે ઉપર જે લોકો હતા તે ફસાઈ ગયા હતા