ન્યુયોર્ક, અમેરિકાના અલાબામામાં પોલીસે મોટી કાર્યવાહી કરતા ૩૬ લોકોની સેક્સ રેકેટમાં ધરપકડ કરી છે, જેમાં એક ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. અલાબામાના ટસ્કલૂસા સિટીની આ ઘટનામાં પોલીસે અંડરકવર ઓપરેશન હાથ ધરીને સિટીમાં ચાલતા સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો હતો.
વેસ્ટ અલાબામા હ્યુમન ટ્રાફિકિંગ ટાસ્ક ફોર્સના કમાન્ડર કેપ્ટન ફિલ સિમ્પ્સનના જણાવ્યા અનુસાર બે અલગ-અલગ ઓપરેશન્સમાં કુલ ૩૬ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, આ કાંડમાં પકડાયેલા ગુજરાતીનું નામ કૌશિક પટેલ છે અને તેમની ઉંમર ૬૮ વર્ષ જણાવાઈ છે તેમજ તેઓ ટસ્કલૂસામાં જ રહે છે.
૧૦ મે ૨૦૨૪ના રોજ અરેસ્ટ થયેલા કૌશિક પટેલ પર સોલિસિટિંગ પ્રોસ્ટિટ્યૂશનનો ચાર્જ લગાવવામાં આવ્યો હતો, જેમાં તેમને ૩૦૦ ડોલરના બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ રેકેટમાં ફેબ્રુઆરી ૨૦૨૪માં પહેલીવાર એક કેસ સામે આવ્યો હતો અને ત્યારબાદ હ્યુમન ટ્રાફિકિંગની તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં આગળ જતાં ૨૩ લોકો અરેસ્ટ થયા હતા.
અલાબામા હ્યુમન ટ્રાફિકિંગ ટાસ્ક ફોર્સ દ્વારા તાજેતરમાં જ ટસ્કલૂસામાં એક અંડરકવર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં વધુ ૧૩ લોકો ઝડપાયા હતા. અલાબામાના કાયદા અનુસાર શરીર સુખ માણવા માટે કોઈને પૈસા ચૂકવવા ગુનો છે, પરંતુ જો આ રેકેટમાં કોઈ માઈનોર સામેલ ના હોય તો પૈસા ચૂકવનારાની સામાન્ય ગુનામાં ધરપકડ કરવામાં આવે છે.
પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા અંડરકવર ઓપરેશનમાં અલગ-અલગ ડેટિંગ એપ્સ તેમજ વેબસાઈ્ટમાં પોલીસ ઓફિસર્સે જ પોતાની ફેક પ્રોફાઈલ બનાવીને ગ્રાહકો શોધ્યા હતા, તેમની સાથે આર્થિક વ્યવહાર કર્યો હતો તેમજ તેમને અમુક ચોક્કસ સ્થળ પર બોલાવાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.