છેતરપિંડીનો કેસમાં નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ અયાઝુદ્દીનની ધરપકડ કરી

મુંબઇ, ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ અયાઝુદ્દીન સિદ્દીકીની પોલીસે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે. ઉત્તર પ્રદેશના મુઝફરનગરની બુઢાના પોલીસે તેની ધરપકડ કરી છે. બુઢાના એસએચઓ આનંદ દેવ મિશ્રાએ કહ્યું કે મંગળવારે અયાઝુદ્દીન સિદ્દીકીની ધરપકડ કરવામાં આવી હતી અને તે જ દિવસે જેલમાં મોકલવામાં આવ્યો હતો. એક મહિના પહેલા તેની સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો, તેના માટે તેની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ અયાઝુદ્દીન પર આરોપ લગાવ્યો છે કે ડિસેમ્બર ૨૦૨૩માં તેણે જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટ વતી કોન્સોલિડેશન ડિપાર્ટમેન્ટને ગેરકાયદેસર રીતે ઓર્ડર લેટર આપ્યો હતો. એસએચઓએ કહ્યું કે જ્યારે મામલાની તપાસ કરવામાં આવી તો આરોપો સાચા હોવાનું જાણવા મળ્યું.

એસએચઓએ એમ પણ કહ્યું કે ડીએમના રીડર રાજકુમારની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ (છેતરપિંડી) અને ૪૬૭ (બનાવટી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. અયાઝનું નામ કોઈ વિવાદમાં જોડાયું હોય એવું પહેલીવાર નથી. આ પહેલા વર્ષ ૨૦૧૮માં તેના પર ધામક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો.

તેના પર સોશિયલ મીડિયા પર વાંધાજનક તસવીર શેર કરીને લોકોની ધામક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. તે સમયે તેણે પોતાના પર લાગેલા આરોપોની તપાસની માંગ પણ કરી હતી. હવે તે છેતરપિંડીના કેસને લઈને ચર્ચામાં આવી ગયો છે. આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

જો કે અયાઝુદ્દીન નવાઝુદ્દીનનો મોટો ભાઈ છે. નવાઝે પોતાની એક્ટિંગથી ફિલ્મી દુનિયામાં ઘણી ઓળખ બનાવી છે. તેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આવનારા સમયમાં ફિલ્મ ‘સેક્શન ૧૦૮’માં જોવા મળવાનો છે. અગાઉ વર્ષ ૨૦૨૩માં તે ‘સૈંધવા’માં જોવા મળ્યો હતો, જે તેલુગુ એક્શન થ્રિલર ફિલ્મ હતી. તે ફિલ્મમાં અભિનેતા દગ્ગુબાતી વેંકટેશ મુખ્ય ભૂમિકામાં હતા.