મુંબઇ, આરસીબી ૨૦૨૪ ની એલિમિનેટર મેચમાં હારી ગયું અને આ સાથે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું. આ હાર બાદ વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના પર યશ દયાલ સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તેણે બોટલ પણ ફેંકી દીધી હતી. ચાલો હવે તમને જણાવીએ કે આ બધું ક્યારે બન્યું?
રાજસ્થાનની ઈનિંગની ૧૭મી ઓવરમાં યશ દયાલને બોલિંગ આપવામાં આવી અને તેણે પ્રથમ બે બોલ પર માત્ર ૨ રન આપ્યા હતા. પરંતુ આ પછી તેણે બે ખૂબ જ ખરાબ બોલ ફેંક્યા જેના પર શિમરોન હેટમાયરે સતત બે ચોગ્ગા ફટકાર્યા. દયાલે ત્રીજા બોલ પર ફુલ ટોસ ફેંક્યો હતો અને તેણે આગલો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. આ પછી, વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો અને એનર્જી ડ્રિંક પીધા પછી તેણે બોટલ બાઉન્ડ્રી લાઈન પર ફેંકી દીધી.
આ ઉપરાંત, તે કંઈક ગણગણતો પણ જોવા મળ્યો હતો. આરોપ છે કે તે યશ દયાલથી નારાજ હતો પરંતુ આ વાતની પુષ્ટિ હાલ કોઇ કરતું નથી. ઉલ્લેખનીય છે કે યશ દયાલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર છેલ્લી ઓવર નાખી આરસીબીને જીત અપાવી હતી, પરંતુ રાજસ્થાન સામે આ ખેલાડીએ ૩ ઓવરમાં ૩૭ રન આપ્યા અને તેને કોઈ સફળતા મળી નહીં.
જોકે, એલિમિનેટર મેચમાં આરસીબીની બેટિંગ પણ કામ આવી ન હતી. કેપ્ટન ડુ પ્લેસિસ ૧૭ રન બનાવીને આઉટ થયો હતો. કોહલીએ ૨૪ બોલમાં ૩૩ રન બનાવ્યા હતા અને ખરાબ શોટના કારણે તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ પછી ગ્રીને ૨૭ અને પાટીદારે ૩૪ રનની ઈનિંગ રમી, પરંતુ તેઓ સારી શરૂઆતને મોટી ઈનિંગમાં બદલી શક્યા નહીં. મેક્સવેલ તો ખાતું પણ ન ખોલવી શક્યો.આરસીબીની ટીમ માત્ર ૧૭૨ રન જ બનાવી શકી હતી જે રાજસ્થાન માટે ઓછો સ્કોર હતો.