મુંબઇ, મુંબઈની સેશન કોર્ટે અભિનેત્રી લૈલા ખાન અને તેના પરિવારની હત્યાના કેસમાં દોષિત સાવકા પિતા પરવેઝ ટાકને ફાંસીની સજા સંભળાવી છે. આ મહિનાની શરૂઆતમાં, કોર્ટે પરવેઝ ટાકને હત્યા અને પુરાવા નષ્ટ કરવા માટે દોષી ઠેરવ્યો હતો. ગયા અઠવાડિયે, સરકારી વકીલ પંકજ ચવ્હાણે આ કેસને સૌથી દુર્લભ ગણાવ્યો હતો અને દોષી પરવેઝ માટે મૃત્યુદંડની માંગ કરી હતી. પંકજ ચવ્હાણનું કહેવું હતું કે આ એક સુનિયોજિત હત્યા હતી. એક ક્રૂર હિંસક કૃત્ય કરવામાં આવ્યું અને એક જ પરિવારના છ લોકોની હત્યા કરી દેવામાં આવી. તેમની લાશોને ઠેકાણે પાડી દેવામાં આવી.
આ સમગ્ર મામલો ૧૪ વર્ષ જૂનો છે. દોષિતે લૈલા, તેની મા અને ચાર ભાઈ-બહેનોની હત્યા કરી દીધી હતી, તેમની લાશોને ફાર્મ હાઉસમાં દાટી દીધી હતી. પછી પોલીસ પૂછપરછમાં આખી ઘટનાનો પર્દાફાશ થયો હતો. લૈલાના પિતા નાદિર પટેલે મુંબઈના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ટાક અને તેના સાથી આસિફ શેખે કથિત રીતે લૈલા અને તેના પરિવારનાં સભ્યોનું અપહરણ કરી લીધું છે.
આ સમગ્ર ઘટના ફેબ્રુઆરી ૨૦૧૧માં બની હતી. પરવેઝ ટાકનો સેલિના સાથે મુંબઈના ઈગતપુરીમાં આવેલા બંગલામાં પ્રોપર્ટીને લઈને વિવાદ થયો હતો. જે બાદ તેણે આ કૃત્ય કર્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ટાકે પહેલા તેની પત્ની સેલિનાની હત્યા કરી. તે પછી તેણે લૈલા અને તેના ચાર ભાઈ-બહેનોની હત્યા કરી નાખી.
પોલીસનું કહેવું હતું કે ટાકને લાગતું હતું કે સેલિના અને તેનો પરિવાર તેની સાથે નોકરની જેમ વર્તે છે. તેને એ પણ આશંકા હતી કે જો સેલિના અને તેનો પરિવાર દુબઈ શિફ્ટ થશે તો તે તેને ભારતમાં છોડી દેશે. પરવેઝે કબૂલ્યું હતું કે સેલિના તેના બીજા પતિ આસિફ શેખને ઇગતપુરી સ્થિત ફાર્મ હાઉસનો ગાડયન બનાવવા માંગતી હતી. સેલિનાએ ટાકને કહ્યું હતું કે તે શેખને પ્રોપર્ટીની સંભાળ લેવાની જવાબદારી સોંપવા માંગે છે. આ માટે તેણે પાવર ઓફ એટર્ની પણ તૈયાર કરી છે, આ સિવાય પરવેઝને શેખ સાથેની સેલિનાની વધતી જતી નિકટતા પણ પસંદ ન હતી. આ કારણોસર તેણે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. તેણે લૈલા અને પરિવારનાં બાકીના સભ્યોની હત્યા કરી હતી કારણ કે તેઓએ તેને સેલિનાની હત્યા કરતા જોઈ લીધો હતો.
એક જ પરિવારની છ હત્યાની ઘટના કેટલાક મહિનાઓ પછી ત્યારે સામે આવી હતી જયારે જમ્મુ-કાશ્મીર પોલીસે છેતરપિંડીના કેસમાં પરવેઝ ટાકની ધરપકડ કરી હતી. શરૂઆતમાં ટાકે દાવો કર્યો હતો કે લૈલા અને તેનો પરિવાર દુબઈમાં છે. બાદમાં તેણે જમ્મુ-કાશ્મીર પોલીસને જણાવ્યું કે તેણે મહારાષ્ટ્રમાં આ લોકોની હત્યા કરી દીધી હતી. બાદમાં તેને મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. ટાક જમ્મુ અને કાશ્મીરમાં ફોરેસ્ટ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. પરવેઝનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. પૂછપરછમાં પરવેઝે હત્યાઓની વાત કબૂલ કરી હતી. બાદમાં તમામના હાડપિંજર ઇગતપુરીના એક ફાર્મ હાઉસમાંથી મળી આવ્યા હતા. પરવેઝે પોલીસને જણાવ્યું હતું કે લૈલા પરિવાર સાથે ઇગતપુરી ફાર્મ હાઉસમાં રજાઓ ગાળવા ગઈ હતી. ત્યાં તેણે બધાની હત્યા કરી નાખી અને લાશોને ખાડો કરીને દાટી દીધી.