પોલીસે યુવકની હત્યાના કેસમાં ૫ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું

સુરત, સુરતમાં હત્યારાઓ અને બદમાશોની શાન ઠેકાણે લાવવા અને શહેરીજનોમાંથી આવા ગુનેગારોનો ખોફ દૂર કરવા માટે ડીંડોલી પોલીસે ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે ડીંડોલી પોલીસે યુવકની હત્યાના કેસમાં ૫ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

સુરતના ડિંડોલી વિસ્તારમાં જૂની અદાવત રાખીને ૨૮ વર્ષીય અતુલ સોની નામના યુવકને ૫ જેટલા હત્યારાઓએ સરાજાહેર હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કેસમાં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી કરી ૫ હત્યારાઓને ઝડપી લીધા હતા.

ડીંડોલી પોલીસે હત્યારાઓની શાન ઠેકાણે લાવવા માટે જાહેરમાં તેમનું સરઘસ કાઢ્યું હતું. માહિતી મુજબ, ડીંડોલીના ગણપતિધામ સોસાયટીમાં પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. ડીંડોલી પોલીસે આરોપીઓનું સરઘસ કાઢી લોકો સમક્ષ માફી પણ મંગાવી હતી.

હવે પછી ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરે તે માટે જાહેરમાં જ બે હાથ જોડી લોકો સમક્ષ માફી મંગાવી હતી. હત્યારાઓનું સરઘસ કાઢી ડીંડોલી પોલીસે આરોપીઓને બરોબરનો પાઠ ભણાવ્યો હતો. સાથે જ શહેરીજનોમાંથી ગુનેગારોનો ખોફ દૂર થાય અને ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તે માટે પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.