આવતીકાલે છઠ્ઠો તબક્કો છે. અમારું માનવું છે કે ચૂંટણી પછી આ મામલે સુનાવણી થવી જોઈએ: સુપ્રીમ કોર્ટ
લોક્સભા ચૂંટણીની વચ્ચે સુપ્રીમ કોર્ટથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને મતદાર મતદાનની સાચી સંખ્યા (મતદાનની ટકાવારી) પ્રકાશિત કરવા અને તેની વેબસાઇટ પર ફોર્મ ૧૭સીની નકલો અપલોડ કરવા માટે નિર્દેશ માંગતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવતીકાલે છઠ્ઠો તબક્કો છે. અમારું માનવું છે કે ચૂંટણી પછી આ મામલે સુનાવણી થવી જોઈએ. વાત જાણે એમ છે જે, લોક્સભા ચૂંટણી દરમિયાન ઘણા રાજકીય પક્ષોએ મતદાનના આંકડામાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. રાજકીય પક્ષો દાવો કરે છે કે, મતદાનની ટકાવારી ચૂંટણીના દિવસે અલગ હોય છે અને અઠવાડિયા પછી અલગ. આ અંગે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચને ફોર્મ ૧૭ઝ્રની સ્કેન કોપી વેબસાઈટ પર અપલોડ કરવાનો આદેશ આપે.
આ અરજી એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર અને તૃણમૂલ નેતા મહુઆ મોઇત્રા વતી દાખલ કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની ખંડપીઠે કરી હતી અને ચૂંટણી પંચના વકીલે અરજીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, આ અરજી સુનાવણીને લાયક નથી. તેમણે કહ્યું કે, આ કાયદાની પ્રક્રિયાના દુરુપયોગનો ઉત્તમ મામલો છે. દેશમાં ચૂંટણી ચાલી રહી છે અને તેઓ વારંવાર આ રીતે અરજીઓ દાખલ કરી રહ્યા છે.
ચૂંટણી પંચના વકીલ વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કહ્યું કે, આ અરર્જીક્તાઓ પર ભારે દંડ થવો જોઈએ. આવા લોકોનું આ પ્રકારનું વલણ હંમેશા ચૂંટણીની પવિત્રતા પર પ્રશ્ર્નાર્થ ઉભા કરીને જનહિતને નુક્સાન પહોંચાડે છે. પંચે કહ્યું કે, માત્ર આશંકાના આધારે ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે જ્યારે સુપ્રીમ કોર્ટે તેના તાજેતરના નિર્ણયમાં તમામ પાસાઓ સ્પષ્ટ કરી દીધા છે. મનિન્દર સિંહે કહ્યું કે, લોક્સભા ચૂંટણી દરમિયાન આયોગને બદનામ કરવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. સ્થાપિત કાયદા મુજબ ફોર્મ ૧૭સી ઇવીએમ વીવીપીએટી સાથે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. ફાઈનલ ડેટામાં ૫ થી ૬ ટકાનો તફાવત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આરોપ સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો છે. ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે અને પંચની સતત બદનામી થઈ રહી છે.
આ દલીલો બાદ સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરવાના સમય પર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ દીપાંકર દત્તાએ અરજદારના વકીલ દુષ્યંત દવેને પૂછ્યું કે, ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ આ અરજી સુપ્રીમ કોર્ટમાં કેમ દાખલ કરવામાં આવી? જસ્ટિસ દીપાંકર દત્તાએ એડીઆરના વકીલ દુષ્યંત દવેને સંબોધતા કહ્યું કે, અમે અનેક પ્રકારની પીઆઈએલ જોઈએ છીએ. કેટલાક લોકોના હિતમાં છે અને કેટલાક પૈસાના હિતમાં છે. પરંતુ અમે તમને કહી શકીએ કે તમે યોગ્ય સમયે અને યોગ્ય માંગ સાથે આ અરજી દાખલ કરી નથી. અંતે બેન્ચે કહ્યું કે, આ તબક્કે અમે વચગાળાની રાહત આપવા તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે આ અરજી પેન્ડિંગ રાખી હતી. હવે ઉનાળાની રજાઓ બાદ નિયમિત બેન્ચ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશમાં ચૂંટણી ચાલી રહી છે તેથી અમે કોઈ આદેશ જાહેર કરીશું નહીં.