અમદાવાદ, રાજયમાં એક તરફ ગરમી કાળો કેર વર્તાવી રહી છે ત્યારે કેટલાક જિલ્લામાં જળાશયોનો પાણીનો સંગ્રહ પણ ઝડપથી ખૂટી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આગામી દિવસોમાં સમયસર વરસાદ ન આવે તો પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ છે. હાલ રાજયના ૨૦૭ જળાશયોમાં ઉપયોગમાં લઈ શકાય તેવો સરેરાશ ૨૯.૪૪ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
સમગ્ર ગુજરાતમાં લગભગ એક સપ્તાહ સુધી ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ અપાયું છે ત્યારે પાણીનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ૨૨ મેના આંકડા મુજબ રાજયના જળાશયોમાં સરેરાશ ગ્રોસ સ્ટોરેજ ૪૨.૯૪ ટકા છે પરંતુ તેનાથી સામાન્ય સંજોગોમાં ઉપયોગમાં લેવાતો (લાઈવ સ્ટોરેજ) જથ્થો ૩૦ ટકા પણ નથી.
ઉત્તર ગુજરાતના જળાશયોમાં લાઈવ સ્ટોરેજ ૨૩.૭૨ ટકા, મય ગુજરાતમાં ૪૪.૧૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૪.૨૭ ટકા, કચ્છમાં ૨૪.૭૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૦.૬૬ ટકા અને સરદાર સરોવર-નર્મદા ડેમમાં ૨૯.૪૪ ટકા પાણીનો જથ્થો વયો છે.
જોકે કચ્છમાં ફક્ત ૨૪.૭૮ ટકા અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જીલ્લામાં કાળઝાળ ગરમીમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં ગત વર્ષે આ સમયગાળાની સરખામણીમાં ૧૦૫ ટકા એમસીએફટી (મિલિયન કયુબિક ફીટ), દક્ષિણ ગુજરાતમાં ૪૪૯ એમસીએફટી, સૌરાષ્ટ્રમાં ૧૧૮ એમસીએફટી પાણીનો જથ્થો ઓછો છે.
નર્મદા ડેમમાં હાલ ૫૨૧૮ એમસીએફટી પાણી છે જે ગત વર્ષે આ સમયગાળામાં ૪૪૩૬ એમસીએફટી હતું. એટલે કે ૭૮૨ એમસીએફટી વધુ જથ્થો ઉપલબ્ધ છે.