અમદાવાદ, રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે ગુરુવારે ૧૬ લોકોના મોત નિપજ્યા છે. ગરમીમાં લૂ લાગવા સહિતના કારણે ૧૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં સુરતમાં ૯, વડોદરામાં ૪ અને મોરબી, જામનગર, રાજકોટમાં ૧-૧ના મોત થયા છે. માત્ર વડોદરામાં જ અત્યાર સુધીમાં ગરમીથી કુલ ૨૩ લોકોના મોત થયા છે. દિવસેને દિવસે વધતી જતી ગરમીના કારણે હાર્ટ એટેક, ડિહાઈડ્રેશનના કેસ વધી રહ્યાં છે. ગરમીમાં બેભાન થઈ જવું, હીટસ્ટ્રોક લાગવો, વોમેટિંગ સહિતના કેસ વયા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલના હીટ સ્ટ્રોક વોર્ડમાં ૫ દર્દી દાખલ છે. અતિશય ગરમીને લોકો હવે સહન નથી કરી શક્તાં નથી. આ કાળઝાળ ગરમીમાં લોકો માટે બહાર નીકળવું મુશ્કેલીભર્યું બન્યું છે. તબીબોની સલાહ મુજબ, કામ વગર ગરમીમાં નીકળવાનું ટાળવું જોઈએ.
વડોદરામાં રેકોર્ડબ્રેક ૪૫ ડિગ્રી ગરમીમાં શહેર અગનભઠ્ઠીમાં શેકાયું છે. વડોદરામાં હીટવેવના કારણે વધુ ૫ના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો ૨૩ પર પહોંચ્યો છે. ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ ૫ના મોત થયા છે. વડોદરામાં વર્ષ ૨૦૧૬ માં ૉ૪૪.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો ગતરોજ તાપમાનનો પારો ૪૫ ડિગ્રી ઉપર પહોંચી જતા નગરજનોની હાલત કફોડી બની હતી. ૨૩ વર્ષના રોનાલડ થોમસ રોય, ૬૫ વર્ષના દિલીપભાઈ કાકરે, ૭૫ વર્ષના નવીનભાઈ વસાવા, ૬૩ વર્ષના શાંતાબેન મકવાણા, ૪૭ વર્ષના પીટર સેમ્યુઅલનું મોત નિપજ્યું છે. મૃતકોના મોતનું ચોક્કસ કારણ જાણવા પી.એમ કરાવ્યું છે.
સુરતમાં આકરી ગરમીના કારણે ઢળી પડતાં વધુ ૯નાં મોત નિપજ્યા છે. ગરમીના કારણે લૂ, ડીહાઇડ્રેજન તેમજ ઝાડા ઉલ્ટીના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સુરત સિવિલમાં ૩ અને સ્મીમેર હોસ્પિટલમાં ૧ દર્દી લૂને પગલે સારવાર હેઠળ છે. બેભાન, તાવ બાદ બેભાન, ગરમીનો તાપ લાગતા, ગભરામણ, ખેંચ આવતા મોતના કારણ બની રહ્યાં છે. તેથી બપોરના સમયે ઘરની બહાર કામ વગર નહિ નીકળવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.
હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.. હીટવેવના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક ૩૦ ટકાનો વધારો થયો છે. જી હા, ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે. વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગરમીની અસર જલદી થાય છે. ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે. છેલ્લા ૧૦ વર્ષના ડેટા મુજબ હીટવેવથી ૩૦ ટકા મૃત્યુ સામાન્ય મૃત્યુ કરતાં વધી જાય છે. છેલ્લા ૩ દિવસથી અમદાવાદની સાથે સાથે અમરેલી, સુરેન્દ્રનગર, કંડલા, ઈડર અને ગાંધીનગરમાં તારમાનનો પારો ૪૫ ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે આ સ્થિતિમાં રોજના સવાસોથી દોઢસો કેસ હીટ સ્ટ્રોકના અને તેની સંબંધિત બિમારીના આવી રહ્યા છે. જણાવી દઈએ કે, ૨૦૧૩માં હીટવેવથી ૧૧૦૦ મૃત્યુ થતાં અમદાવાદ પહેલું એવું શહેર બન્યું કે જ્યાં હીટવેવ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો.