દાહોદ જિલ્લામાં સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા અંત્યોદય યોજનામાં ધંધાકિય લોન મંજુર કરવામાં ગેરરિતી કરાતી હોવાનો આક્ષેપ

ફતેપુરા,

દાહોદ જિલ્લામાં અનુસુચિત જાતિ માટેના સમાજ કલ્યાણ શાખા તથા સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા વર્ષોથી હળહળતો અન્યાય કરાતો હોવાના આક્ષેપો અનુસુચિત જાતિના અગ્રણિઓ દ્વારા કરાઈ રહ્યા છે. જેમાં સરકારની વિવિધ આવાસ યોજનાઓ તેમજ સરકારી યોજનાના લાભોમાં ભ્રષ્ટાચાર આચરાતો હોવાના પણ આક્ષેપો કરાઈ રહ્યા છે.

દાહોદ જિલ્લામાં અનુસુચિત જાતિના લાભાર્થીઓને સરકાર દ્વારા મળતા વિવિધ લાભોમાં બાકાત રાખી મળતિયા અને લાગવગીયા લોકોને આ લાભો અપાવી અન્યાય કરાતા હોવાના આક્ષેપો સમાજના અગ્રણિઓ દ્વારા કરાઈ રહ્યા છે. જેમાં આંબેડકર અંત્યોદય યોજના હેઠળ વાલ્મિકી સમાજના સફાઈ કામદારોને ધંધાર્થે લોન આપવામાં આવે છે. જેમાં દાહોદ જિલ્લામાં વર્ષ-2021/22માં અત્યારસુધી જે પણ લાભાર્થીઓની પસંદગી કરાઈ છે તે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દાહોદ કચેરીના જવાબદારો દ્વારા ભલામણ કરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ છે. તેમાં અનેક લાભાર્થીઓ અગાઉ લોન મેળવી ચુકયા હોઈ સાચા હકદારોને બાકાત રખાયા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. જેથી આ અંગે ઝીણવટભરી તપાસ કરવાની માંગ કરાઈ છે. જિલ્લા સમાજ કલ્યાણ શાખા તથા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દાહોદ કચેરીના જવાબદારો સામે કેન્દ્ર સરકાર સુધી રજુઆતો કરાઈ છે. જેની તપાસ વીજીલન્સ વિભાગને સોંપવામાં આવી છે પરંતુ હજુ સુધી તપાસ થઈ નથી. જેથી આવા જવાબદારોને બચાવી લેવાતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.