દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ મામલતદાર તથા તેમની ટીમે દેવગઢ બારીઆના દુધિયા ગામ નજીક લઈ જઈ રહેલા ગેર કાયદેસર રેતી ખનનના સ્થળ પર ઓચિંતો દરોડો પાડી સ્થળ ઉપરથી એક હિટાચી મશીન, રેતી ભરેલી એક ટ્રક તથા રેતી ભરાવવા ઊભેલી દસ જેટલી ખાલી ટ્રકો મળી લાખોનો મુદ્દામાલ ઝડપી પાડી દાહોદ જીલ્લા ખાણ ખનીજ વિભાગને સુપરત કરતા જીલ્લા ખાણ ખનીજ વિભાગ આ વખતે પણ ઊંઘતું ઝડપાતા તેની કામગીરી સામે અનેક પ્રશ્ર્નોાર્થો ખડા થવા પામ્યા છે.
દેવગઢ બારીઆ તાલુકાની ઉજ્જવલ નદીમાં ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદે રેતી ખનન કરી ટ્રકોની ટ્રકો ભરી પાડોશી રાજ્યો સુધી પહોંચાડી રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી સરકારી તિજોરીને મહિને દહાડે લાખોનું નુકસાન પહોંચાડી રહ્યા છે. આ મામલે મીડિયા દ્વારા સમાચારના માધ્યમથી છાસવારે જીલ્લા ખાણ ખનીજ વિભાગના કાન આમળી વાસ્તવિક સ્થિતિ તરફ ધ્યાન દોરવામાં આવતુ હોવા છતાં ખનન માફીઆઓની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર નકેલ કસવામાં જીલ્લાનું ખાણ ખનીજ વિભાગ કોઈને કોઈ કારણસર વામણું પુરવાર થતુ જોવા મળી રહ્યું છે. જેના કારણે ખનન માફીઆઓની રેતી ખનનની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે. તેવા સમયે દેવગઢ બારીઆ તાલુકાના દુધિયા ગામ નજીક ઉજ્જવલ નદીમાં કેટલાક ખનન માફિયાઓના ઇશારે મોટા પાયે રેતીનું ખનન થતું હોવાની ગુપ્ત બાતમી દેવગઢ બારીઆ મામલતદારને મળી હતી.
જે બાતમીને આધારે દેવગઢ બારીઆ મામલતદારે પોતાની ટીમના માણસોને સાથે લઈ ગત રાતે દુધિયા ગામ નજીક ઉજ્જવલ નદીના પટમાં મોટા પાયે થઈ રહેલા ગેરકાયદેસર રેતી ખનનના સ્થળે ઓચિંતો દરોડો પાડતા સ્થળ પરથી રેતી ખનન કરી રહેલા મજૂરો તેમજ ટ્રક ચાલકો પોતાની ટ્રકો સ્થળ પર મૂકી કરાર થઈ ગયા હતા. મામલતદારે સ્થળ પરથી એક હિટાચી મશીન તથા રેતી ભરેલ એક ટ્રક તેમજ રેતી ભરાવવા ઉભેલ 10 જેટલી ખાલી ટ્રકો પકડી પાડી લાખોનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી માટે દાહોદ જીલ્લા ખાણ ખનીજ વિભાગને જાણ કરી પકડાયેલ હીટાચી મશીન તેમજ 11 જેટલી ટ્રકો સુપરત કરી હતી. ત્યારે અત્રે એ પ્રશ્ર્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે લોકોને હવે દાહોદ જીલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી કર્મચારીઓ પરથી ભરોસો ઉઠી ગયો છે કે શું ? કારણ કે રેતી ખનન અંગેની બાતમી ખાણ ખનીજ વિભાગને આપવાના બદલે હવે બાતમીદારો સ્થાનિક કક્ષાના અધિકારીઓને આપવા લાગ્યા છે.