દાહોદ કતવારા ગામે છોકરીને મારી નાખવા મામલે ત્રણ ઈસમો દ્વારા મારમારતાં ફરિયાદ

દાહોદ,\છોકરીને મારી નાખવાના મામલે કતવારા ગામના નિશાળ ફળિયામાં રહેતા 30 વર્ષીય યુવાનને તેનાજ ફળિયાના એક મહિલા સહિત ત્રણ જણાએ ડાંગ તથા લાકડીઓનો માર મારી ઇજાઓ પહોંચાડી તેમજ જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ તાલુકાના કતવારા ગામના નિશાળ ફળિયામાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા ત્રીસ વર્ષીય મેહુલભાઈ કિશોરસિંહ હાંડા ગતરોજ બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા. તે વખતે તેમના ફળિયામાં રહેતા જીગરકુમાર ભુપેન્દ્રસિંહ બામણ, નિતાબેન ભુપેન્દ્રસિંહ બામણ તથા સોહનસિંહ અમરસિંહ બામણ એમ ત્રણેય જણા હાથમાં ડાંગ તથા લાકડીઓ જેવા મારક હથિયારો લઈ આવી બેફામ બિભત્સ ગાળો બોલી, તે અમારી છોકરીને મારી નાખેલ છે તો તું અહીં કેમ રહેવા આવ્યો છે તારે આ ઘરમાં રહેવાનું નથી અહીંથી તું જતો રહેજે નહીં તો તને મારી નાખીશું. તેમ કહી જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી જીગરકુમાર ભુપેન્દ્રસિંહ બામણે એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાંની ડાંગ મેહુલભાઈ હાન્ડાને માથામાં મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા માથામાં ટાંકા આવ્યા હતા. જ્યારે નીતાબેન બામણ તથા સોહનસિંહ બામણે તેઓના હાથમાંની લાકડીઓ વડે મેહુલભાઈ હાંડાને શરીરે માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

આ સંબંધે કતવારા ગામના ઇજાગ્રસ્ત મેહુલભાઈ કિશોરસિંહ હાંડાએ નોંધાવેલી ફરિયાદને આધારે કતવારા પોલીસે કતવારા ગામે નિશાળ ફળિયામાં રહેતા જીગરકુમાર ભૂપેન્દ્રસિંહ બામણ, નીતાબેન ભૂપેન્દ્રસિંહ બામણ તથા સોહનસિંહ અમરસિંહ બામણ વિરૂદ્ધ ઇપીકો કલમ 323, 324, 504, 506(2), 114 મુજબ મારામારીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.