દે.બારીયાના ભથવાડા ટોલબુથના ચાર કર્મીઓ દ્વારા ચાલકને મારમારતાં ફરિયાદ

દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાંથી પસાર થતા ભથવાડા ટોલનાકા પાસે ટોલનાકા પર ફરજ બજાવતાં કર્મચારીઓ દાદાગીરી કરતાં હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં ટોલનાકા પાસેથી પસાર થતી એક ફોર વ્હીલર ગાડીના પાસ બાબતે હાજર કર્મચારી સાથે બોલાચાલી બાદ ટોલનાકા પર ફરજ બજાવતાં ચાર કર્મચારીઓએ ગાડીના ચાલક સહિત બેને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં ગાડીના ચાલકે ટોલનાકા પર ફરજ બજાવતાં ટોલનાકા મેનેજર સહિત 04 કર્મચારીઓ વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.

દેવગઢ બારીઆ નગરમાંથી પસાર થતા ભથવાડા ટોલનાકા પરના કર્મચારીઓ અવાર નવાર ગાડીઓના ચાલકો સાથે માથાકુટ તેમજ દાદાગીરી કરતાં હોવાના આક્ષેપો વાહન ચાલકો તેમજ ભથવાડા ગામના લોકો કરી રહ્યાં છે. ત્યારે ગતરોજ દેવગઢ બારીઆ નગરમાં રેલ્વે સ્ટેશન સામે લાકડાના પીઠા સામે રહેતાં મહમદનીશાર અબ્દુલરહીમ ટુણીયા પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ પોતાના બાળક, ભત્રીજા એમ ત્રણેય જણા ગોધરા ખાતે કોઈ કામ માટે જઈ રહ્યાં હતા. ત્યારે આશરે સવારના અગીયારેક વાગ્યાના આસપાસ ભથવાડા ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ટોલનાકા પર ગાડી ઉભી રાખી ટોલનાકાના કર્મચારીએ 350 રૂપીયા ટેક્સ ભરવો પડશે, તેમ કહેતાં મહમદનીશારે જણાવેલ કે, મારી ગાડીનો કાચ તુટી ગયેલ છે, મારી પાસે મંથલી પાસ છે, તમારી સીસ્ટમમાં જોઈ લો, તેમ કહેતા, ટોલનાકા કર્મચારી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને અમે તમારો નોકર નથી કે સીસ્ટમમાં જોયા કરીએ, તેમ કહેતાં મહમદનીશાર અને ટોલનાકા કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે ટોલનાકાનો મેનેજર રાજેશ શર્મા તથા તેની સાથેના અન્ય ત્રણ ઈસમો દોડી આવી મહમદનીશારનું કોલર પકડી મહમદનીશાર અને તેમના ભત્રીજા જાવેદ એહમદ અખ્તર ટુણીયાને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મહમદનીશાર અબ્દુલરહીમ ટુણીયાએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.