દે.બારીઆ ઉચવાણ ગામની વૃધ્ધાના ખિસ્સા માંંથી 1 લાખ કાઢી લેનારને રીક્ષા સાથે બે ઈસમોને ઝડપ્યા

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરના સમડી સર્કલ થી છોડે આગળ છોટાઉદેપુર રોડ પર રિક્ષામાં બેઠેલ ઉચવાણ ગામના 55 વર્ષીય વૃદ્ધના ખિસ્સામાંથી રિક્ષામાં બેઠેલા એક ઈસમે રૂપિયા એક લાખ ની રોકડ સિફત પૂર્વક કાઢી લીધા બાદ તે વૃદ્ધને રીક્ષા માંથી ઉતારી રીક્ષા લઈ નાસી જતા સદર ચોરીની ઘટના દેવગઢ બારીઆ પોલીસ દફ્તરે નોંધાતા પોલીસે ગણતરીના જ કલાકોમાં પોતાની કુનેહથી રીક્ષા સાથે બે ઈસમોને પકડી પાડી સદર ચોરીનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કર્યો છે.

ગત તારીખ 08-0 5- 2024 ના રોજ દેવગઢ બારીઆના ઉંચવાણ ગામના નેસ ફળિયામાં રહેતા 55 વર્ષીય રમેશભાઈ વેચાત ભાઈ વાઘરી દેવગઢ બારીયા ખાતેના જલારામ મેડિકલ સ્ટોરના માલિક ગૌરાંગભાઈ પંડ્યા પાસેથી રૂપિયા એક લાખ હાથ ઉછીના લઈ તે રૂપિયા પેન્ટના ખિસ્સામાં મૂકી ચાલતા ચાલતા પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે વખતે અજાણ્યા બે ઇસમો રીક્ષા લઈ આવી રમેશભાઈ વાઘરીને મહારાજ તમે બહુ દિવસે મળ્યા તેમ કહી તમારે ક્યાં જવાનું છે તેમ પૂછતા રમેશભાઈ વાઘરીએ ભુવાલ જવાનું છે, તેમ કહેતા તેઓએ અમે પણ ભુવાલ જઈએ છીએ તેમ કહી રિક્ષામાં રમેશભાઈ વાઘરીને બેસાડી લીધા હતા. તે વખતે રિક્ષામાં પાછળ બેઠેલ ઈસમે રમેશભાઈ વાઘરીના ખોળામાં પડી જવાનું નાટક કરી ખબર ન પડે તે રીતે ખૂબજ શિફત પૂર્વક રમેશભાઈ વાઘરીના પેન્ટના ખિસ્સામાંથી રૂપિયા એક લાખની રોકડ કાઢી લીધી હતી અને ત્યારબાદ બીજા માણસોને લેવા જવાનું છે, તેમ કહી રમેશભાઈ વાઘરીને દેવગઢ બારીઆ નગરના સમડી સર્કથી થોડે આગળ છોટા ઉદયપુર રોડ પર ગેરેજની દુકાનો પાસે રીક્ષા માંથી ઉતારી રીક્ષા લઇ નાસી ગયા હતા.

થોડીવાર બાદ રમેશભાઈએ પોતાની પેન્ટના ખિસ્સામાં હાથ નાખતા ખિસ્સામાં મુકેલ રૂપિયા એક લાખ ન મળતા પોતે લૂંટાયો હોવાનું જણાઈ આવ્યું હતું. સદર ચોરીની ઘટના અંગેની ફરિયાદ રમેશભાઈ વેચાતભાઈ વાઘરીએ તારીખ 21-5-2024ના રોજ દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા દેવગઢ બારિયા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સદર ચોરીના ગુનાના આરોપીઓ રિક્ષામાં બેસી પીપલોદ તરફથી જકાતનાકા ઉપર થઈ દેવગઢ બારિયા બજારમાં ચોરી કરવા સારૂં જવાના હોય તેવી બાતમી દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશનના જવાબદાર સિનિયર પી એસ આઇને મળતા તેઓએ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમને સાથે લઈ દેવગઢ બારીઆ જકાતનાકા પર વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. જે દરમિયાન ઉપરોક્ત બાતમી વાળી રીક્ષા આવતા તે રીક્ષાને રોકી કોર્ડન કરી લેતા રીક્ષામાં બેઠેલ રીક્ષા ચાલક સહિતના બંને જણા રિક્ષામાંથી ઉતરી નાસવા જતા પોલીસે તે બંનેને ઝડપી પાડ્યા હતા. અને તેઓના નામ પૂછતા તેઓએ પોતાના નામ રમેશભાઈ મનજીભાઈ ચુડાસમા રહેવાસી-હળમતિયા. જીલ્લા-ખેડા તથા રામકુભાઇ મગનભાઈ સોલંકી રહેવાસી-શિકારીયા. જીલ્લા-ખેડા હોવાનું જણાવતા તે બંનેની સિનિયર પી.એસ.આઇ. ડીએસ લાડે પૂછપરછ કરતા તે બંનેએ પ્રાથમિક પૂછપરછમાં જ પોતે રિક્ષામાં બેઠેલ રમેશભાઈ વાઘરીના ખિસ્સામાંથી એક લાખ રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત કરી લેતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી પકડાયેલા તે બંને જણાએ બીજી કઈ કઈ જગ્યાએ આવી ચોરીની કેટલી ઘટનાઓને અંજામ આપ્યો છે તે બાબતની સઘન પૂછપરછ હાથ ધરી છે.