જીલ્લાના ખેડુતોને મગફળીમાં જમીનજન્ય રોગ-જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલાં અને વાવણી સમયે આવશ્યક પગલા લેવા જણાવવામાં આવે છે

નડિયાદ, ખેડા જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જીલ્લાના ખેડુતોને મગફળીમાં જમીનજન્ય રોગ-જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલાં અને વાવણી સમયે આવશ્યક પગલા લેવા જણાવવામાં આવે છે. જેમાં ખેડુતોએ ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ વાપરવા, સંપૂર્ણ સડી ગયેલ સેન્દ્રીય ખાતર વાપરવા અને જમીનજ્ન્ય રોગોના નિયંત્રણ માટે શક્ય હોય તો વહેલુ વાવેતર કરવા જણાવવામાં આવે છે. વધુમાં, ઉનાળામાં ઉંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત કીટકો(ઢાલિયા) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થાય.

ઉપરાંત, થડનો કોહવારો/ડોડવાના કોહવરાથી રક્ષણ મેળવવા ટ્રાયકોડર્મા ફૂગ આધારીત પાવડર 2.5 કિ.ગ્રા.ને 300 થી 500 કિલો એરંડીના ખોડ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવા અને શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા પાળા પરના બધા જ ઝાડો ઉપર કલોરપાયરીફોસ 20% ઈ.સી. દવાના (15 લીટર પાણીમાં 20 મી.લી. દવા) મિશ્રણનો છંટકાવ કરવી જેથી ઝાડ ઉપર એકઠાં થયેલાં ઢાલિયાનો નાશ થાય. આ કામગીરી 3 થી 4 દિવસમાં જ પૂર્ણ કરવા કહેવામાં આવે છે.

સાથે જ, ધૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવા અને મુંડાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી 1.15 વેટેબલ પાવડર (ન્યુનતમ 2સ106 સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા એરંડીના ખોળ (300 કિ.ગ્રા/હે) સાથે જમીનામાં આપવા તથા મુંડાના અસરકારક નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં દીવેલાનો ખોળ 500 કિ.ગ્રા./હે. પ્રમાણે આપવા અને પાક વાવતી વખતે ચાસમાં કાર્બોફયુરાન 3જી 33 કિ.ગ્રા./હે. પ્રમાણે આપવા માટે જીલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવે છે.