અંબાલા, હરિયાણાના અંબાલામાં ગુરૂવારે મોડી રાત્રે એક ટ્રક અને મિની બસ વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં લગભગ સાત લોકોના મોત થયા છે. જે એક જ પરિવારના હતા. આ ઉપરાંત લગભગ ૨૫ લોકો ઘાયલ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે આ રોડ અકસ્માત દિલ્હી જમ્મૂ નેશનલ હાઇવે પર સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મિની બસમાં બેઠેલા લોકો વૈષ્ણો દેવી દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. રસ્તામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી અને મિની બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસમાં મુસાફરી કરનાર શિવાનીએ કહ્યું કે ડ્રાઇવર દારૂના નશામાં હતો. અકસ્માત બાદ સૌથી પહેલાં નિકળીને ભાગી ગયો. બસની અંદર ૩૦ થી ૩૫ લોકો હતા અને વૈષ્ણોદેવી જઇ રહ્યા હતા. અમારી આંખ લાગી ગઇ હતી, ખબર ન પડી કે અકસ્માત કેવી રીતે સર્જાયો.
દરમિયાન યૂપીના બાંદામાં એક ભીષણ રોડ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. તો બીજી તરફ અડધો ડઝનથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ઓટોને ટક્કર મારી હતી. તેથી ઓટોમાં સવાર તમામ લોકોને ગંભીર રીતે ઘાયલ થયા છે અને બે લોકોના મોત થયા છે. ટ્રકની ટક્કરથી તમામ ઓટો સવાર રોડ પર ફંગોળાઇ ગયા હતા. ઘટનાસ્થળે કિકિયારીઓ ગુંજવા લાગી હતી. રાહદારીઓએ અકસ્માતની પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તમામ ઘાયલોને એમ્બુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ ગઇ હતી. અહીં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તો એક મહિલાનું કાનપુરમાં મોત નિપજ્યું હતું. બાકી ઇજાગ્રસ્તોની બાંદા મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.
પીડિતાના પરિવારજનોએ જણાવ્યું કે અમે બધા એક જ પરિવારના છીએ. ચિત્રકૂટની મુલાકાત લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં સામેથી એક ઝડપથી આવતી ટ્રકે ટક્કર મારી હતી. આ ટ્રક સુનિલસિંહ પટેલની છે, જેઓ વર્તમાન સાંસદના પુત્ર છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ઓટોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પરિવારજનોએ પોલીસને કડક કાર્યવાહીની માંગ કરી છે.