નવીદિલ્હી, લોક્સભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૮ લોક્સભા બેઠકો પર આવતીકાલ તા.૨૫ મેના રોજ કડક સુરક્ષા વચ્ચે મતદાન થશે.ચુંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. મતદાન સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી યોજાશે છઠ્ઠા તબક્કામાં દિલ્હી અને હરિયાણાની તમામ બેઠકો સામેલ છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠક માટે પણ આ જ તબક્કામાં મતદાન થશે. જોકે, આ બેઠક પર ત્રીજા તબક્કામાં જ મતદાન થવાનું હતું. પરંતુ ખરાબ હવામાનને કારણે તેને છઠ્ઠા તબક્કા સુધી મોકૂફ રાખવામાં આવ્યું હતું.
જે પ્રખ્યાત ચહેરાઓનું ભાવિ દાવ પર છે, તેમાં હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર લાલ (કરનાલ સંસદીય મતવિસ્તાર), જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી (અનંતનાગ-રાજૌરી)નો સમાવેશ થાય છે, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (સંબલપુર, ઓડિશા), કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત અને અભિનેતા રાજ બબ્બર (ગુરુગ્રામ), કેન્દ્રીય મંત્રી ક્રિશન પાલ ગુર્જર (ફરીદાબાદ), પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી (સુલતાનપુર), મનોજ તિવારી અને કન્હૈયા કુમાર (ઉત્તર-પૂર્વ દિલ્હી), નવીન જિંદાલ (કુરુક્ષેત્ર) વગેરે છે.
આ તબક્કામાં જે ૫૮ લોક્સભા બેઠકો પર મતદાન થશે, ૨૦૧૯માં ભાજપ અને એનડીએએ તેમાંથી ૪૦ પર જીત મેળવી હતી. તેમાંથી ભાજપે દિલ્હીની તમામ સાત અને હરિયાણાની તમામ ૧૦ બેઠકો જીતી હતી. આ દૃષ્ટિએ છઠ્ઠો તબક્કો શાસક પક્ષ અને વિપક્ષ બંને માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન બની રહ્યો છે. જોકે, આ વખતે બંને રાજ્યોમાં પરિસ્થિતિ થોડી બદલાઈ છે.
આ વખતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. ૨૦૧૯માં બંને પક્ષોએ અલગ-અલગ ચૂંટણી લડી હતી. જ્યારે હરિયાણામાં લોક્સભા ચૂંટણી પહેલા ભાજપની સહયોગી જનનાયક જનતા પાર્ટી તેમનાથી અલગ થઈ ગઈ છે. રાજ્યની કમાન પણ હવે મનોહર લાલને બદલે નાયબ સિંહ સૈનીના હાથમાં છે. મહત્વનું છે કે લોક્સભા ચૂંટણીના પાંચ તબક્કામાં અત્યાર સુધીમાં સરેરાશ ૬૫.૯૬ ટકા મતદાન થયું છે. જેમાં સૌથી ઓછું ૬૨.૨ ટકા મતદાન પાંચમા તબક્કામાં થયું હતું જ્યારે સૌથી વધુ ૬૯.૧૬ ટકા મતદાન ચોથા તબક્કામાં થયું હતું. પહેલા તબક્કામાં ૬૬.૧૪ ટકા, બીજા તબક્કામાં ૬૬.૭૧ ટકા અને ત્રીજા તબક્કામાં ૬૫.૬૮ ટકા મતદાન થયું હતું. અંતિમ અને સાતમા તબક્કાનું મતદાન ૧ જૂને થશે.
છઠ્ઠા તબક્કામાં ૮૮૯ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં સૌથી વધુ ૨૨૩ હરિયાણામાં છે. લોક્સભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં કુલ ૮૮૯ ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી સૌથી વધુ ૨૨૩ ઉમેદવારો હરિયાણાના છે, જ્યારે સૌથી ઓછા ૨૦ ઉમેદવારો જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોક્સભા સીટ પરથી મેદાનમાં છે.
ઉત્તર પ્રદેશમાં ૧૪ બેઠકો માટે કુલ ૧૬૨ ઉમેદવારો, બિહારમાં આઠ બેઠકો માટે ૮૬ ઉમેદવારો, દિલ્હીની સાત બેઠકો માટે ૧૬૨ ઉમેદવારો, બંગાળમાં આઠ બેઠકો માટે ૭૯ ઉમેદવારો, ઝારખંડમાં ચાર બેઠકો માટે ૯૩ ઉમેદવારો અને છ બેઠકો માટે ૬૪ ઉમેદવારો મેદાનમાં છે. ઓડિશામાં બેઠકો મેદાનમાં છે. જો કે, આ ૫૮ બેઠકો પર કુલ ૧૯૭૮ લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી માત્ર ૯૦૦ લોકોના જ નામાંકન માન્ય રહ્યા હતા. બાદમાં તેમના નામ પરત ખેંચાયા બાદ હવે માત્ર ૮૮૯ ઉમેદવારો મેદાનમાં છે.