હું કોર્ટનું સન્માન કરું છું પરંતુ મુસ્લિમોને ઓબીસી આરક્ષણથી દૂર રાખવાના નિર્ણયનો હું સ્વીકાર નહીં કરીશ,મમતા

  • મમતા દીદીએ હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો સંકેત આપ્યો છે.

કોલકતા, લોક્સભા ચૂંટણી ૨૦૨૪ વચ્ચે કલકત્તા હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે ૨૦૧૦ પછી ઈશ્યૂ કરવામાં આવેલા તમામ ઓબીસી સર્ટિફિકેટ ને રદ કરવાની જાહેરાત કરી દીધી છે. હવે આ મુદ્દે સીએમ મમતા બેનર્જી બળવો કરવા પર ઉતરી ગયા છે. સીએમ બેનર્જી કોર્ટના નિર્ણયને સ્વીકારવા તૈયાર નથી તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે, ઓબીસીનો દરજ્જો અને ઓબીસી સર્ટિફિકેટ રદ કરવાનો કોર્ટનો નિર્ણય તેમને સ્વીકાર્ય નથી. દમદમ લોક્સભા મતવિસ્તારના ખડદહમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મમતા બેનર્જીનું વલણ ખૂબ જ આક્રમક રહ્યું હતું. કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને કારણે બંગાળમાં લગભગ ૫ લાખ ઓબીસી સટફિકેટ રદ થઈ જશે.

મમતા દીદીએ હાઈકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો સંકેત આપ્યો છે. આ સાથે જ પોતાનો અવાજ ઉઠાવતા મમતા બેનર્જીએ કહ્યું કે હું કોર્ટનું સન્માન કરું છું પરંતુ મુસ્લિમોને ઓબીસી આરક્ષણથી દૂર રાખવાના નિર્ણયનો હું સ્વીકાર નહીં કરીશ. બીજેપી નેતા અમિત માલવિયાએ પોતાના એક્સ હેન્ડલ પર મમતા બેનર્જીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ કોર્ટની વાત માનવાનો સ્પષ્ટ ઈનકાર કરતા નજર આવી રહ્યા છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ઓબીસી અનામત ચાલું રહેશે કારણ કે, તેના સબંધિત બિલ બંધારણની રૂપરેખાની અંદર પસાર કરવામાં આવ્યું હતું. મમતા બેનર્જીએ કહ્યું કે, સરકારે ડોર ટુ ડોર સર્વે કર્યા બાદ બિલ બનાવ્યું હતું અને તેને મંત્રીમંડળ અને વિધાનસભાએ પાસ કર્યું હતું હતું. જો જરૂર પડશે તો હું આ આદેશ સામે સુપ્રીમ કોર્ટ સુધી જઈશ.

સીએમ મમતા બેનર્જીએ ઓબીસી અનામત રોકવા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને ઓબીસી અનામતને રોકવાનું કાવતરું ઘડી રહી છે. તેમણે કહ્યું કે, આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે કેટલાક લોકોએ કોર્ટમાં જઈને ઓબીસીના હિત પર પ્રહાર કરવા માટે અરજીઓ દાખલ કરી હતી. ભાજપ આવી હિંમત કેવી રીતે બતાવી શકે? આ સાથે જ દીદીએ ભાજપને સવાલ કર્યો કે સરકાર તેના દ્વારા ચાલાવવામાં આવે કે કોર્ટ દ્વારા. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે સંદેશખાલીમાં પોતાના કાવતરામાં નિષ્ફળ ગયા બાદ ભાજપ હવે નવું ષડયંત્ર રચી રહી છે.

આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બંગાળની મમતા બેનર્જી સરકાર પર પ્રહાર કરતા નજર આવ્યા છે. તેમણે મમતા બેનર્જી પર વોટ બેંકની રાજનીતિ માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરીને અને ઘૂસણખોરોને રાજ્યની વસ્તીને બદલવાની મંજૂરી આપીને પાપ કરવાનો આરોપ લગાવ્યો છે. શાહે એમ પણ કહ્યું કે, બંગાળમાં ભાજપની ૩૦ લોક્સભા બેઠકો જીત્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ સરકાર વિખેરાઈ જશે અને મમતા બેનર્જી સરકારની વિદાય થઈ જશે.

મમતા બેનર્જી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, બંગાળ ઘૂસણખોરો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે. ઘૂસણખોરીને કારણે રાજ્યની જનસંખ્યા બદલાઈ રહી છે અને તેની અસર માત્ર બંગાળ પર જ નહીં પરંતુ સમગ્ર દેશ પર પડી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ઘૂસણખોરો ટીએમસીની વોટ બેંક છે.શાહે કહ્યું કે મમતા બેનર્જી પોતાની વોટ બેંકની તુષ્ટિકરણ માટે નાગરિક્તા સંશોધન કાયદાનો વિરોધ કરી રહી છે. શાહે એ પણ કહી દીધું કે,ટીએમસીને ઘૂસણખોરો પ્રત્યે સ્નેહ છે અને સીએએ પર પ્રહાર કરે છે ઘૂસણખોરો ટીએમસીની ’વોટ બેંક’ છે.