જામનગર, જામનગર શહેર-આલિયાબાડા તેમજ કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં ગરમીના કારણે ત્રણ વ્યક્તિના હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નિપજ્યાના અહેવાલો મળ્યા છે.
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા સતિષભાઈ દામજીભાઈ બુસા નામના ૫૪ વર્ષના આધેડ કે જેઓ ગરમીના કારણે એકાએક બેશુદ્ધ બન્યા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા પછી તેઓનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબ દ્વારા જાહેર કરાયું હતું. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા પ્રવીણભાઈ નારણભાઈ જાદવ નામના ૪૫ વર્ષના યુવાનને ગઈકાલે સવારે દસેક વાગ્યા આસપાસ પોતાના ઘેરથી નીકળીને બાડા ગામે ગયા પછી એકાએક બેભાન બન્યા હતા, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તબિબ દ્વારા તેઓનું હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું છે.
કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રફુલસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના ૬૨ વર્ષના ખેડૂત ગઈકાલે બપોરે ૧૨.૦૦ વાગ્યાના અરસામાં ગરમીના કારણે બેશુદ્ધ બની ગયા હતા, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે હૃદય રોગનો હુમલો આવી ગયો હોવાથી મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કરાયું હતું. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.