શહેરા બેઠક પર ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું

  • આમ આદમી પાર્ટીના ઉમેદવાર તખતસિંહ સોલંકી એ પણ ઉમેદવારી પત્ર ભર્યું.
  • ભાજપના જેઠાભાઇ ભરવાડ અને આપના તખત સિંહ સોલંકી એ જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું.
  • જેઠાભાઈ ભરવાડ એ ગુજરાતમાં ભાજપની સરકાર બનશે અને 135 થી 140 બેઠક ભાજપની આવવાની છે.
  • કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત નહીં થતા મૂંઝવણમાં મુકાયા.
    શહેરા,
    શહેરા 124 વિધાનસભાના બેઠક માટે ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડ દ્વારા આજે પોતાનું ઉમેદવારીપત્ર ભરીને વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે આમ આદમી પાર્ટી માંથી તખતસિંહ સોલંકી એ પણ શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતુ. આ બન્ને ઉમેદવારોએ જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતુ.
    શહેરા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા જેઠાભાઈ ભરવાડની પાંચમી વખત પસંદગી કરવામાં આવી હતી. ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડ ચાંદણગઢ મંદિરથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા હતા. જેઠાભાઇ ભરવાડનું રસ્તામાં આવતા અનેક ગામના ગ્રામજનો દ્વારા ફુલહાર પહેરાવીને તેમનું સ્વાગત કરવા સાથે વડીલો દ્વારા તેમને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. જેઠાભાઇ ભરવાડ વાજતે ગાજતે તેમના મોટી સંખ્યામાં સમર્થકો સાથે શહેરા પ્રાંત અધિકારીની કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ અશ્ર્વિનભાઈ પટેલ, રયજીભાઈ પરમાર, ડો.કિરણસિંહ બારીયા, વિક્રમભાઈ પગી અને જુવાનસિંહ બારીયાને સાથે રાખીને ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડે વિધાનસભાના ચુંટણી અધિકારી એન.કે. પ્રજાપતિ સમક્ષ પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું હતું. ભાજપ માંથી પાંચમી વખત વિધાનસભાની ચૂંટણી લડતા જેઠાભાઇ ભરવાડે જણાવ્યું હતું કે, આ વખતે પણ અહીંથી ભાજપની જીત નિશ્ચિત છે અને રાજ્યમાં પણ ભાજપની સરકાર બનશે. આ વખતે 135 થી 140 બેઠકો ભાજપની આવવાની છે. ભાજપના ઉમેદવાર સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી આવતા એક તરફનો હાઇવે માર્ગ સંપૂર્ણ બંધ થઈ જવા સાથે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો પણ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા હતા. જ્યારે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તખતસિંહ સોલંકી પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આવ્યા હતા. તખતસિંહ સોલંકીએ ચૂંટણી અધિકારી સમક્ષ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે તખતસિંહ સોલંકી એ પણ આ વખતે મારી જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આપ પાર્ટીના ઉમેદવાર દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હોય જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં નહીં આવતા કોંગ્રેસ કાર્યકરો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.