ભુજ, કચ્છના નાના રણમાં કાનમેર નજીક બનેલી ગોળીબારની ઘટનામાં ઇજા પામેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ કેસની પોલીસ તપાસમાં ભાજપના ત્રણ નેતાઓના નામ ખૂલતા ચકચાર મચી ગઈ છે. ભાજપના ત્રણ નેતામાં એકની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના બે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે આ બનાવમાં ૧૭માંથી ૧૬ની ધરપકડ કરી છે. તેમની પાસેથી ઘટનાનું રિકન્સ્ટ્રકશન પમ કરવામાં આવ્યું હતું.
આ અંગે બહાર આવેલી વિગત મુજબ ભચાઉના નરેન્દ્રદાન આર ગઢવી અને અશોકસિંહ ઝાલા તથા ગાંધીધામના દિલીપ અયાચીની સંડોવણી બહાર આવી છે. નરેન્દ્ર ગઢવીની ધરપકડ કરી લેવાઈ છે. અશોક ઝાલા અને દિલીપ અયાચી ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
નરેન્દ્ર ગઢવીની પત્ની હાલમાં પણ કચ્છ જિલ્લા પંચાયતમાં સભ્ય છે. અશોકસિંહ ભચાઉનો ભૂતપૂર્વ શહેર પ્રમુખ છે. તે કોંગ્રેસ અને ભાજપ બંનેમાં રહી ચૂકેલી છે. ગુનામાં ત્રણેયની ભૂમિકાની તપાસ જારી છે તેમ કહીને હાલમાં પોલીસે તેના અંગે કોઈ વિગતો આપવાનું મુનાસિબ સમજ્યું નથી.