બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું સર્જાઈ શકે છે. ૪૮ કલાકમાં લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે.

  • ભારે વરસાદની સંભાવના વચ્ચે હવામાન વૈજ્ઞાનિઓએ માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપી.

નવીદિલ્હી, બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડું સર્જાઈ શકે છે. ૪૮ કલાકમાં લો-પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે. ડિપ્રેશન વખતે ૭૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. સમુદ્રની મધ્યમાં પહોંચતા તેજ પવન ફૂંકાશે. ૪ મોડલ પ્રમાણે વાવાઝોડું ભારતમાં ટકરાશે. ૩ મોડેલ પ્રમાણે વાવાઝોડું બાંગ્લાદેશ, મ્યાનમારમાં ટકરાઈ શકે છે. વાવાઝોડું બનવા માટે મોટા ભાગની સ્થિતિ અનુકૂળ છે. સમુદ્ર સપાટીનું તાપમાન વાવાઝોડા માટે અનુકૂળ છે. બંગાળની ખાડીમાં સમુદ્ર સપાટીનું તાપમાન ૩૦થી ૩૨ ડિગ્રી છે.

હવામાન નિષ્ણાતોએ આ વખતે સારા વરસાદની આગાહી કરી છે. અલનીનો અંત અને લાનીના અસરકારક બનવાની પ્રબળ શક્યતાઓ સાથે તેની ઝલક પણ દેખાવા લાગી છે. બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા બનવાને કારણે ઓડિશાના ઉત્તરી જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે આ માહિતી આપી. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે હવામાન વૈજ્ઞાનિઓએ માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપી છે.

આઇએમડીએ જણાવ્યું હતું કે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના કિનારાથી દૂર બંગાળની ખાડીમાં લો પ્રેશર ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે. ૨૪ મેની સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.આઇએમડીએ કહ્યું, ‘દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના કાંઠાથી દૂર બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા બન્યો છે. આઇએમડીએ ૨૪ મેથી બાલાસોર જિલ્લાના અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ અને અન્ય ઉત્તરીય ઓડિશા જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ છે.

આઇએમડીએ માછીમારોને ૨૩ અને ૨૪ મેના રોજ દરિયામાં ન જવાની ચેતવણી આપી છે, કારણ કે દરિયાની સ્થિતિ ખરાબથી અત્યંત ખરાબ થવાની ધારણા છે. માછીમારોને ૨૩ મે સુધીમાં દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે ૨૨ મેના રોજ દક્ષિણ બંગાળની ખાડી પર ૩૫-૪૫ કિમી પ્રતિ કલાકથી ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. ૨૩મી મેની સવારથી તે મય અને દક્ષિણ બંગાળની ખાડી પર ધીમે ધીમે ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વધીને ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે.