દે.બારીયા તાલુકાની ખનીજ સંપત્તિને છેલ્લા કેટલાય સમયથી ઉલેચીને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડનારા ખનન માફિયાઓ સામે કાયદાનો કોરડો ક્યારે વિંઝાશે ? જેવા અનેક સવાલો.

  • તાલુકાના ગામો જેવા કે, ઉચવાણ , ભુવાલ તેમજ ભડભા ગામે ગોચર જમીનોને મોડી રાતે નિશાન બનાવતા રેતી માફિયાઓને કોના આશીર્વાદ ?
  • ખાણ ખનિજ વિભાગની ગાડી આવી ફેરો મારી જતી રહે છે. અને નગરમાંથી પસાર થતી ઓવરલોડ રેતીની ગાડીઓ સામે પણ આંખ આડા કાન કરતા હોય છે. ત્યારે આવું બધું કોની રહેમ નજર હેઠળ આ કાળો કારોબાર ચાલતો હશે તેવી લોકમુખે ચર્ચાઓ.
  • દીવસ અને રાત્રિના અંધારામાં સફેદ રેતીનો કરોડોમાં કાળો કારોબાર કરનારા ખનન માફિયાઓને પીઠબળ પૂરૂં પાડનારા મોટા ગજાના માથાઓને ખુલ્લા પાડવાની તાતી જરૂર.

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢબારિયા તાલુકાની નદીઓના પટ્ટમાં ઘરબાયેલ ખનીજ સંપત્તિને પોતાની બાપોતી મિલકત સમજી કેટલાક ખનન માફીઆઓ જીલ્લાના કેટલાક મોટા માથા સાથેની મિલી ભગત તેમજ ભાગીદારીમાં નષ્ટ કરી સરકારી તિજોરીને મહિને દહાડે કરોડોનું નુકસાન પહોંચાડી પોતાની તિજોરીઓ ભરી રહ્યા છે. ત્યારે દેવગઢ બારીયા તાલુકાની ખનીજ સંપત્તિને બચાવવા મોટા માથાઓની મિલીભગતથી ગેરકાયદેસર રેતી ખનન કરનારા ખનન માફીઆઓ સામે કાયદાનો કોરડો વિંઝવો જરૂરી થઈ પડયો છે. ત્યારે રાજ્યના ઉચ્ચ સ્તરેથી કાયદાનો કોરડો ક્યારે વિંઝવામા આવશે ? તે હવે જોવું રહ્યું. દેવગઢ બારીયા તાલુકામાં આવેલ પાનમ નદીમાંથી પણ કેટલાક ખનન માફિયાઓએ નિયમિત રીતે ગેરકાયદે રેતી ખનન કરી નદીના પેટાળ સુધી પહોંચી આસપાસની જમીનને પણ ખોખલી કરી નાખી છે. આ રીતે રેતી ખનના ગેરકાયદેસર બેખોફ ચાલી રહેલા વેપલા માટે જીલ્લાના ખાણ ખનીજ વિભાગની બેજવાબદારી ભરી નીતિ રીતિ જ મુખ્યત્વે જવાબદાર હોવાનું પંથકમાં ચર્ચાઈ રહ્યું છે. આમને આમ ખોદકામ ચાલશે તો ? આવનાર સમયમાં શહેરી જનોને પીવાના પાણીની પણ વિકટ સમસ્યાઓ ઉભી થાય તો કોઈ નવાઈ નહિ.