રાષ્ટ્રપતિ રઇસીના મોતના કારણે ઉત્તરાધિકારીનુ સંકટ ઘેરું બન્યું:ઈરાનમાં સત્તાસંઘર્ષનું જોખમ

તેહરાન, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીનુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તેમના મોત બાદ ઇરાન, ભારત અને અમેરિકા સહિત દુનિયાભરના લોકોની વચ્ચે હવે એક જ સવાલ થઇ રહ્યો છે કે તેમના મોત બાદ દેશની સત્તા કોણ સંભાળશે. હકીક્તમાં ઈરાનમાં રાષ્ટ્રપતિ બનવા માટે ચૂંટણી લડવી પડે છે. જોકે, ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિ બાદ સત્તાની કમાન કોણ સંભાળશે તે અંગે મોટા ભાગે નિર્ણય સુપ્રીમ લીડર દ્વારા જ કરવામાં આવે છે.

હાલમાં સુપ્રીમ લીડર અલી ખોમૈની છે. તેઓ જેને સમર્થન આપે છે તે વ્યક્તિ જ સત્તામાં આવે છે. દેશમાં રાજકીય સ્થિરતા માટે નેતાઓ, ધાર્મિક નેતાઓ અને સેના વચ્ચે સંવાદિતા હોવી ખૂબ જરૂરી હોય છે. આ કારણોસર એવી આશંકા છે કે તેમના આકસ્મિક મોતના કારણે તેમની વચ્ચે સત્તાસંઘર્ષનો ભય છે. તેમના અકાળે મોતથી ઈરાનના રાજકારણમાં એક વિશાળ શૂન્યાવકાશ સર્જાયો છે. અત્યાર સુધી તેમને સર્વોચ્ચ નેતા ખોમૈનીના ઉત્તરાધિકારી માનવામાં આવતા હતા. તેમની વિદાય બાદ ખોમૈનીના પુત્ર મોજતબા અને લશ્કરી નેતાઓની ભૂમિકામાં વધારો થવાની ધારણા છે.

રઇસીના મોતથી પશ્ર્ચિમ એશિયાના દેશો તેમજ ભારત અને અન્ય દેશોને માઠી અસર થશે. તેલ અને ગેસમાં મોટા રોકાણકાર હોવાથી બજારમાં અસ્થિરતાની શક્યતા છે. સોમવારે મોતની પુષ્ટિ થતાં જ તેલના ભાવમાં વધારો થયો હતો. ઈરાનના સ્ટોક એક્સચેન્જમાં ઘટાડાને કારણે તેને બંધ કરવું પડ્યું હતું. ભારત ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં તેલ અને ગેસની આયાત કરે છે. ભારતે આ મહિને ચાબહાર પોર્ટ સંબંધિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જો ઈરાનમાં રાજકીય અસ્થિરતા સર્જાય તો તેની અસર તેના વિકાસને અવરોધી શકે છે. તેમના મોતથી ક્ષેત્રીય સુરક્ષાને પણ અસર થઈ શકે છે.

દરમિયાન પુટિને કહ્યું કે રઇસી રશિયાના સાચા મિત્ર હતા. તેમના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા હતા.ઈરાક: વડાપ્રધાન મોહમ્મદ શિયા અલ સુદાનીએ કહ્યું કે રઇસીના મોત પર ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમૈની પ્રત્યે અમારી સંવેદના છે.