વોશિગ્ટન, યુ.એસ.એ ભારતમાં મુસ્લિમ સમુદાય પર પ્રકાશિત થયેલા તાજેતરના અહેવાલની નોંધ લીધી અને ધામક સ્વતંત્રતા માટે સાર્વત્રિક સન્માનને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વોશિંગ્ટને કહ્યું કે તે આ મામલે ભારત સહિત વિશ્વભરના દેશો સાથે વાતચીત કરી રહ્યું છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે દૈનિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, અમે વિશ્ર્વભરમાં ધર્મ અથવા આસ્થાની સ્વતંત્રતાના અધિકાર માટે સાર્વત્રિક સન્માનને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. અમે ભારત સહિત ઘણા દેશોને તમામ ધાર્મિક સમુદાયોના સભ્યો માટે સમાન વ્યવહારના મહત્વ પર વાતચીતમાં સામેલ કર્યા છે.
તેમનું નિવેદન ન્યૂયોર્ક ટાઈમ્સના ’સ્ટ્રેન્જર્સ ઈન ધેર ઓન લેન્ડ: બીઈંગ મુસ્લિમ ઈન મોદીના ઈન્ડિયા’ શીર્ષકના અહેવાલ બાદ આવ્યું છે. રિપોર્ટમાં આરોપ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદથી બિનસાંપ્રદાયિક માળખું અને મજબૂત લોકશાહીનો નાશ કર્યો છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં મુસ્લિમ પરિવારો મુશ્કેલી અને એકલતા સાથે સંઘર્ષ કરી રહ્યા છે કારણ કે તેઓ તેમના બાળકોને એવા દેશમાં ઉછેરવાનો પ્રયાસ કરે છે જે તેમની ઓળખ પર સવાલ ઉઠાવે છે.
વડા પ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ૧૯૫૦ થી ૨૦૧૫ ની વચ્ચે ભારતમાં મુસ્લિમ વસ્તીનો હિસ્સો ૯.૮૪ ટકાથી વધીને ૧૪.૦૯ ટકા થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૫૦માં મુસ્લિમ વસ્તી ૯.૮૪ ટકા હતી જે ૨૦૧૫માં વધીને ૧૪.૦૯ ટકા થઈ ગઈ છે.
આ જ સમયગાળા દરમિયાન ભારતમાં હિંદુ વસ્તીનો હિસ્સો ૮૪.૬૮ ટકાથી ઘટીને ૭૮.૦૬ ટકા થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૧૯૫૦ અને ૨૦૧૫ વચ્ચે બહુમતી હિંદુ વસ્તીનો હિસ્સો ૭.૮૨ ટકા (૮૪.૬૮ ટકાથી ઘટીને ૭૮.૦૬ ટકા) થયો છે. અહેવાલમાં જણાવાયું છે કે ખ્રિસ્તી, શીખ અને બૌદ્ધ વસ્તીમાં વધારો થયો છે, જ્યારે જૈન અને પારસી વસ્તીમાં ઘટાડો થયો છે. ઇએસી પીએમએ ભારત સરકારને, ખાસ કરીને વડાપ્રધાનને આથક અને સંબંધિત મુદ્દાઓ પર સલાહ આપવા માટે રચવામાં આવેલ એક સ્વતંત્ર સંસ્થા છે.