ગુજરાત હીટવેવમાં તપ્યું પાટનગર ગાંધીનગરમાં નોંધાઈ રાજ્યની સૌથી વઘુ ગરમી

ગુજરાતમાં રવિવારે નોંધાયેલ ગરમીના પ્રમાણમાં આજે સોમવારે આંશિક ઘટાડો નોંધાયો છે. પરંતુ આ આંશિક રાહત બળબળતા સૂર્યના તાપ સામે નહીંવત રહેવા પામી છે. રવિવારે સુરેન્દ્રનગર અને ડીસામાં સૌથી વઘુ ગરમી નોંધાઈ હતી. જ્યારે આજે સોમવારે સુરેન્દ્રનગર અને ડીસામાં ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે તે મુજબ આજે સોમવારે રાજ્યના અનેક શહેરોનું તાપમાન 44 ડિગ્રીને પાર થયું છે. જો કે સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો ગઈકાલ રવિવારની સરખામણીએ આજે સોમવારે આંશિક ગગડ્યો છે. સુરેન્દ્રનગરમાં આજે તાપમાનનો પારો 44.3 ડિગ્રીએ અટક્યો છે.

જ્યારે ગુજરાતના પાટનગર અને હરિયાળા શહેરમાં મોખરાના સ્થાને આવતા ગાંધીનગરમાં આજે રાજ્યની સૌથી વધુ ગરમી નોંધાઈ છે. ગાંધીનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોચી ગયો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 44.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જે ગઈકાલ રવિવાર જેટલી જ કહી શકાય. જો કે અમદાવાદ એરપોર્ટ પર ગરમીનો પારો 46.2 ડિગ્રીએ અટક્યો હતો.

અમરેલીમાં આજે દિવસનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં 44. 2 ડિગ્રી, ભાવનગરમાં પણ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભૂજમાં ગરમીનો પારો 41.2 ડિગ્રી, ડીસામાં 43.2 ડિગ્રી, રાજકોટમાં 43 ડિગ્રી, સુરતમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદમાં દિવસનું તાપમાન 44.5 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા 2.5 ડિગ્રી વધુ રહ્યું હતું. જ્યારે રાત્રીનું તાપમાન 31.2 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતા 3.7 ડિગ્રી વધુ છે. સવારે ભેજનું પ્રમાણ 51 ટકા નોંધાયું હતું. તો સાંજે 5.30 કલાકે ભેજનું પ્રમાણ નહીંવત કહેવાય એટલું માત્ર 18 ટકા જ નોંધાયું હતું.

અમરેલીમાં રાત્રીનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 2.3 ડિગ્રી વધુ 28.2 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં રાત્રીનું તાપમાન સામાન્ય કરતા 4.1 ડિગ્રી વધુ એટલે કે, 31.8 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરમાં રાત્રીનું લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી, ભૂજમાં 26.4 ડિગ્રી, છોટા ઉદેપુરમાં 29 ડિગ્રી, ડીસામાં 28.5 ડિગ્રી તાપમાન રાત્રીએ નોંધાયું હતું.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રાત્રીનું તાપમાન સામાન્ય કરતા 2.7 ડિગ્રી વધુ એટલે કે, 31 ડિગ્રી નોંધાયું હતું. જામનગરમાં 28.6 ડિગ્રી, નલિયામાં 27 ડિગ્રી, પોરબંદરમાં 27 ડિગ્રી, રાજકોટમાં 25.2 ડિગ્રી તાપમાન રાત્રીના સમયે નોંધાયું હતું. સુરતમાં 28.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 29.5 ડિગ્રી તાપમાન રાત્રીના સમયે નોંધાયું હતું.

જો સવારે 8.3 કલાકે નોંધાયેલા ભેજના પ્રમાણ પર એક નજર કરીએ તો, અમરેલીમાં 58 ટકા, વડોદરામાં 43 ટકા, ભાવનગરમાં 35 ટકા, ભૂજમાં 77 ટકા, ડીસામાં 46 ટકા, ગાંધીનગરમાં 38 ટકા, જામનગરમાં 81 ટકા, નલિયામા 64 ટકા, રાજકોટમાં 74 ટકા અને સુરેન્દ્રનગરમાં 56 ટકા ભેજનું પ્રમાણ નોંધાયું છે.