રાજીવજી દ્વારા આ દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવવામાં અહમ યોગદાન આપ્યું ,કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ

અમદાવાદ, પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવજીની પુણ્યતિથી નિમિત્તે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી – એક શક્તિ, એક વિચારધારા, એક દ્રષ્ટિકોણ, એક પરિવર્તન અને માનવતાનું નામ છે. રાજીવ ગાંધી સ્વભાવથી ગંભીર પરંતુ આધુનિક વિચારો – વૈજ્ઞાનિક અભિગમ સાથે નિર્ણય લેવાની અદભૂત ક્ષમતા ધરાવતા હતા. રાજીવજી દ્વારા આ દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવવામાં અહમ યોગદાન આપ્યું અને તે એમની દીર્ઘ દૃષ્ટિ હતી જેના કારણે આજે દેશ ડિજિટલ રીતે ઘણો આગળ છે એક રાજ્ય થી બીજું રાજ્ય અને એક દેશથી બીજા દેશમાં થતી પૈસા અને વાતોની અવર જવર છે બાકી અત્યારે દેશ જેટલો આગળ છે તે કદાચના હોત. પરંતુ ત્યારે પણ તેમનો ખુબ જ વિરોધ કરવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે રાજીવજી દેશ માટે બોફર્સ ગન લાવ્યા ત્યારે પણ તેમના પર ખુબ જ વિરોધ કરવામાં આવ્યો હતો. કારગીલનું યુદ્ધ બોફર્સ ગનના કારણે જીત્યા હતા તે રાજીવ ગાંધીની દીર્ઘ દૃષ્ટિ હતી. ગુજરાતમાં જ્યારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે લોકોએ છાસની માંગ કરી હતી અને ત્યારે રાજીવ ગાંધી દ્વારા કોંગ્રેસ પક્ષને કહીને સમગ્ર રાજ્યમાં છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ સમયે જ્યારે બે સભ્ય સંસદમાં ભાજપના હતા તો પણ તેમને ક્યારેય તેમને ખરીદવાનું કે દબાણ કરવાનું નથી વિચાર્યું અને એવું કહ્યું હતું કે આ બે છે પરંતુ એમના પ્રત્યે મને માન છે.

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે કોંગ્રેસ ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક, વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, અ.મ્યુ.કોં.નેતા શેહઝાદખાન પઠાણ,મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડીયા કોકન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, હિરેન બેંકર સહિત સેવાદળના સૈનિકો, શહેરના કાર્યર્ક્તાઓ – આગેવાનો – મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રાજીવજીએ દેશ માટે આપેલ યોગદાન અને બલિદાનને યાદ કર્યા હતા-