ભાવનગર, બોટાદમાં કથાકાર રાજુબાપુનો કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કથાકાર રાજુબાપુએ ઠાકોર કોળી સમાજ વિશે કરેલી ટીપ્પણીને લઇ કોળી સમાજે વિરોધ નોંધાવ્યો છે. કોળી સમાજે કથાકાર રાજુબાપુના વિરુદ્ધમાં મામલતદારને આવેદન આપ્યું છે. તથા લાગણી દુભાવવા બદલ કથાકાર રાજુબાપુ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
વિવાદીત ટિપ્પણી બાદ ઠેર-ઠેર વિરોધ ઉઠી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ત્રિકોણબાગ ખાતે કોળી અને ઠાકોર સમાજ દ્વારા રાજુબાપુનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. રાજુબાપુના પૂતળા સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે પૂતળા દહન થાય તે પહેલા જ પોલીસે સ્થળ પર પહોંચીને પૂતળું કબજે કર્યું હતું અને વિરોધ કરી રહેલા સમાજના આગેવાનોની અટકાયત કરી હતી.
કથાકાર રાજુ બાપુના વિવાદિત નિવેદનથી ઠાકોર-કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ઠાકોર એક્તા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે, સંત આવા શબ્દો બોલી શકે નહીં. કથાકાર રાજુ બાપુ ડુપ્લિકેટ સંત છે. કથાકારે માફી માંગી તે રીત યોગ્ય નથી. કથાકારે ઠાકોર અને કોળી સમાજ સામે આવીને માફી માંગવાની જરૂર છે. માફી નહીં માંગવા પર ઉગ્ર આંદોલન કરવામા આવશે
વ્યાસપીઠએ વંદનીય અને પૂજનીય સ્થાન છે. કથાનું પઠન કરનારી વ્યક્તિ વ્યાસપીઠ પર બેસે છે. વ્યાસપીઠ પવિત્ર કથા વાંચવા માટેનું સ્થાન છે. કથાકારે વિવાદિત નિવેદનો કે દ્રષ્ટાંતો ન આપવા જોઇએ. વ્યાસપીઠથી કોઇ સમાજ વિશે વિવાદિત ટિપ્પણી યોગ્ય નથી. વ્યક્તિ વિશેષ વિશેની ટિપ્પણી પણ યોગ્ય નથી. કોઇ ધર્મ,સમાજ કે જ્ઞાતિ વિશે અંગત મંતવ્ય ન આપવા જોઇએ. કથા સુસંગત દ્રષ્ટાંત અથવા શાોક્ત વાતો કહેવી જોઇએ. સકારાત્મક વાતો, પરસ્પરના વ્યવહાર સુધરે તેવા દ્રષ્ટાંતો હિતાવહ છે. કથાકાર મનઘડત વાત કહે તે વ્યાસપીઠનું અપમાન છે