- કન્હૈયાએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે આ હુમલાનો આદેશ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મનોજ તિવારીએ આપ્યો હતો
નવીદિલ્હી, આપ ઓફિસની બહાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકવામાં આવી હતી અને તેને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ઉત્તર પૂર્વ દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકવા બદલ એક આરોપી અજય કુમારની ધરપકડ કરવામાં આવી હતી. ડીસીપી નોર્થ ઈસ્ટ જોય તિર્કીએ આ નિવેદન જાહેર કર્યું છે.
તમને જણાવી દઈએ કે ૧૭ મેના આપ ઓફિસની બહાર કન્હૈયા કુમાર પર શાહી ફેંકવામાં આવી હતી અને તેમને થપ્પડ મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. કન્હૈયાને હાર પહેરાવવાના બહાને કેટલાક લોકો આવ્યા અને તેને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો.
કન્હૈયા કુમારે આ હુમલા માટે ભાજપ પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે વર્તમાન સાંસદ મનોજ તિવારીએ તેમના પર હુમલો કરાવ્યો હતો. જ્યારે કન્હૈયા પર હુમલો થયો ત્યારે સ્થાનિક કાઉન્સિલર છાયા શર્મા પણ તેની સાથે હતા. કન્હૈયાએ કહ્યું હતું કે જ્યારથી પાર્ટીએ તેમને ઉમેદવાર બનાવ્યા છે ત્યારથી મનોજ તિવારી લોકોને ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તિવારીને લાગવા લાગ્યું છે કે વિસ્તારના લોકો તેમને સ્વીકારી રહ્યા નથી.
કન્હૈયાએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે આ હુમલાનો આદેશ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મનોજ તિવારીએ આપ્યો હતો. કન્હૈયાએ દાવો કર્યો હતો કે વર્તમાન સાંસદ તિવારી તેમની વધતી લોકપ્રિયતાથી નિરાશ હતા અને તેથી જ તેમણે તેમના પર હુમલો કરવા માટે ગુંડાઓ મોકલ્યા હતા. તેમણે કહ્યું કે જનતા ૨૫ મેના મતદાન કરીને હિંસાનો જવાબ આપશે.
દિલ્હીમાં લોક્સભાની કુલ સાત બેઠકો છે. દિલ્હીની તમામ સાત સીટો પર ૨૫ મેના મતદાન થવાનું છે. લોક્સભા ચૂંટણી ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને ભાજપે નોર્થ ઈસ્ટ દિલ્હી લોક્સભા સીટ પરથી મનોજ તિવારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ સીટ પરથી કન્હૈયા કુમારને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સીટ પર બંને વચ્ચે જોરદાર ટક્કર છે. કન્હૈયાએ પોતાની રાજનીતિની શરૂઆત જેએનયુથી કરી હતી, જ્યારે મનોજ તિવારી પ્રખ્યાત અભિનેતા અને ગાયક હતા, ત્યાર બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.