માગુરામાં હિન્દુ મંદિરમાં કરાઈ તોડફોડ, ઘરોમાં આગ લગાવાઈ

ઢાંકા, બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર અત્યાચારનો મામલો સામે આવ્યો છે. બાંગ્લાદેશમાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું. બાંગ્લાદેશના માગુરા શહેરમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. એટલું જ નહીં આ મંદિરને બાળી દેવામાં આવ્યું હતું. જેના બાદ લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મંદિરની સાથે હિન્દુઓના કેટલાક ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી, ત્યારબાદ પોલીસને મામલાની માહિતી મળતા જ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જો કે આ ઘટના બાદ બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ ડરી ગયા છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા પર એક સવાલ ઉભો થયો છે. મંદિરને નુક્સાન પહોંચાડવાનો મામલો સામે આવ્યો છે. મંદિરમાં તોડફોડ કરી આગ ચાંપી હતી. અમેરિકાના ૨૦૨૨ના ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૨માં દેશની વસ્તી ૧૬૫.૭ મિલિયન હતી, જેમાંથી ૯૧ ટકા મુસ્લિમો અને ૮ ટકા હિંદુઓ હતા. બીજી તરફ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૧માં મુસ્લિમ બહુમતી ધરાવતા દેશમાં ૮૯ ટકા મુસ્લિમો અને ૧૦ ટકા હિંદુઓ હતા.

વર્ષ ૨૦૨૧માં પણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા થયા હતા જેમાં ૪ લોકોના મોત થયા હતા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ દુર્ગા પૂજાના પ્રસંગે ગુસ્સે ભરાયેલા ટોળાએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. જેમાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને અનેક હિન્દુઓના ઘરોને પણ રોષે ભરાયેલા ટોળાએ નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા અને ૪ના મોત નોંધાયા હતા.

એક બાંગ્લાદેશી માનવાધિકાર સંગઠને માહિતી આપી હતી કે ૨૦૧૩ થી ૨૦૨૧ સુધીમાં હિંદુઓ પર હુમલાની ૧,૫૫૯ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં મંદિરોમાં તોડફોડ અને આગચંપીનાં ૧,૬૭૮ બનાવો નોંધાયા હતા, જેમાં ૧૧ હિંદુઓના મોત થયા હતા. દેશમાં લઘુમતીઓ પર સતત થઈ રહેલા હુમલા ચિંતાજનક છે, ત્યારબાદ હવે આ શ્રેણીમાં હુમલાનો વધુ એક મામલો સામે આવ્યો છે.