નવીદિલ્હી, દિલ્હી દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૩૧ મે સુધી લંબાવી છે.
મનીષ સિસોદિયા જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. આ કેસની આગામી સુનાવણી ૩૧ મેના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં થશે. કોર્ટે આરોપીઓને લેખિતમાં જણાવવા કહ્યું કે બિનજરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં કેટલો સમય લાગશે.
દિલ્હીના દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તિહાર જેલમાં સજા કાપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મનીષ સિસોદિયાની ગયા વર્ષે ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેમને કોઈ રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે અગાઉ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ઘણી વખત વધારી હતી.
મનીષ સિસોદિયાએ લોક્સભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે જામીન માંગ્યા હતા. પરંતુ લોક્સભા ચૂંટણીના પાંચ તબક્કા માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે અને ૨૫ મેના રોજ દિલ્હીની તમામ સાત બેઠકો પર મતદાન થશે. આવી સ્થિતિમાં સિસોદિયાએ ચૂંટણી પ્રચારને લઈને કોર્ટમાં અરજી દાખલ કરી છે.