સંજેલી, સંજેલી માંડલી ચોકડી પર કચરાના ઢગલામાં આગ લાગતા વીજ વાયર સહિત ડી.પી.બળીને ખાખ થઈ જતાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે 12 કલાક કાળઝાળ ગરમીમાં લોકો શેકાયા હતા.
સંજેલી નગરમાં રાજમહેલ રોડ માંડલી ચોકડી પર બજારમાં માંડલી રોડ, પંચાલ ફળિયુ, સાથીયા ફળિયુ, ચામડીયા ફળિયુ, ડિસ્લેરી ફળિયા, રાજમહેલ રોડ સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો માટે બે ડીપી ઉભી કરી છે. વર્ષોથી ત્યાંથી પુરવઠો અપાય છે. આ ડીપીમાં આસપાસમાં લોકો દબાણ કરતા તેમજ ડીપીના પોલ નીચે કચરો ફેંકે છે. જે કચરામાં આગ લાગતા રાત્રિના 4 વાગ્યે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ વાયરો સળગી ગયા હતા. ધીમે ધીમે ફ્યુઝ બોકસ અને વાયરે આગ પકડી લેતા 100 એચ.પી.ની ડીપી પણ શોર્ટ થઈ જવા પામી હતી. જેથી વીજ પુરવઠો ખોરવાતા 300 જેટલા મકાનોમાં લાઈટ ડુલ થઈ જવા પામી હતી. કાળઝાળ ગરમીમાં જ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ધંધા રોજગાર પર અસર જોવા મળી હતી. રાત્રિના સમયે વીજ પુરવઠો બંધ થતાં લોકોને નીંદર પણ હરામ કરી નાંખી હતી. બપોર સુધી વીજ પુરવઠો ન આવતા લોકોને ગરમીમાં શેકાવવાનો વારો આવ્યો હતો. વારંવાર પંચાયત તંત્રને આ ડીપી ફરતે આડ કરવા તેમજ કચરો ના નાંખવા માટે લોકો દ્વારા રજુઆત કરાઈ છે. છતાં પંચાયત દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેથી કચરાના ઢગલામાં આગ લાગી હતી.