મુંબઇ, આઈપીએલની લીગ મેચનો તબક્કો પૂર્ણ થયો છે. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની બીજી ડબલ હેડર મેચ વરસાદને પગલે રદ્દ કરવામાં આવી હતી. બંને ટીમને એક-એક પોઈન્ટ ફાળવાયો હતો. આ સાથે જ પ્લે ઓફનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પોઈન્ટ ટેબલ મુજબ કોલકાતા નાઈટ રાઈડર્સ (૨૦) પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે સનરાઈઝર્સ હૈદરાબાદ (૧૭), રાજસ્થાન રોયલ્સ (૧૭) ત્રીજા ક્રમે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (૧૪) ચોથા ક્રમે રહીને પ્લે ઓફમાં ક્વોલિફાય થનાર ચાર ટીમો છે.
૨૧મી મેએ અમાદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો અર્થાત કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે પ્રથમ ક્વોલિફાયર મુકાબલો રમાશે. આ મેચમાં જે ટીમ વિજયી બનશે તે સીધી ફાઈનલમાં પ્રવેશ મેળવશે. જ્યારે હારનારી ટીમને વધુ એક તક મળશે. ૨૨મી મેએ અમદાવાદમાં જ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે એલિમિનિટર મેચ રમાશે. આ મેચમાં જે ટીમનો વિજય થશે તે અને ક્વોલિફાયર-૧માં પરાજય મેળવનાર ટીમ વચ્ચે ૨૪મી મેના રોજ ચેન્નાઈ ખાતે બીજો ક્વોલિફાયર મુકાબલો રમાશે. બીજી ક્વોલિફાયર મેચમાં વિજેતા ટીમનો પ્રથમ ક્વોલિફાયર થનાર ટીમ સામે ફાઈનલ મુકાબલો થશે. ૨૬મી મેએ ચેન્નાઈના ચેપોક ખાતે આઈપીએલ ૨૦૨૪ની ફાઈનલ યોજાશે.
આ વખતે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ક્વોલિફાય થયેલી ચાર ટીમો પૈકી કોલકાતા નાઈટ રાઈડર્સ (૨૦૧૨, ૨૦૧૪) બે વખત ચેમ્પિયન રહ્યું છે. જ્યારે રાજસ્થાન રોયલ્સે (૨૦૦૮) એક વખત ટાઈટલ જીત્યું છે. સનરાઈઝર્સ હૈદરાબાદે (૨૦૧૬)માં એક વખત ચેમ્પિયનનો તાજ જીત્યો હતો. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર એક પણ ટાઈટલ જીતી શક્યું નથી અને તે ત્રણ વખત (૨૦૦૯, ૨૦૧૧, ૨૦૧૬) રનર અપ રહ્યું છે.