અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો, ૧૦૮ને મળ્યા ૪ હજારથી વધુ કોલ્સ

અમદાવાદ, અમદાવાદમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. આગ વરસાવતી ગરમી વચ્ચે સ્થાનિકો પરેશાન બન્યા છે. અમદાવાદમાં આજે મહત્તમ ૪૫ ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. તો ગરમી વધતી હીટવેવને કારણે લૂ લાગવાના અને ઝાડા- ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. મે મહિનામાં ૧૮ દિવસોમાં અમદાવાદમાં ૧૦૮ને ૪ હજાર ૧૩૧ કોલ મળ્યા છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ૨૧૬ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. સૌથી વધુ ૮ મે ના ૧૦૮ને ૨૮૬ કોલ મળ્યા હતા.

રાજ્યવાસીઓને આગામી ૬ દિવસ તો ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે. અમદાવાદમાં આજનું મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચ્યુ છે. ૨૦મી મેએ મહત્તમ પારો ૪૪ ડિગ્રીએ જઈ શકે છે. ૨૧ મે એ અમદાવાદમાં ૪૫ ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. ૨૨ મે થી ૨૪ મે સુધી અમદાવાદમાં ૪૪ ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ તરફ હીટવેવને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલને જણાવ્યુ કે હીટવેવથી બચવા જરૂરી પગલા લેવા માટેની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. તથા તમામને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે.