ગુજરાતમાં મોંઘવારી, વધતી બેરોજગારી અને નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચિંતાનો વિષય છે : અશોક ગેહલોત

અમદાવાદ,

મુખ્યપ્રધાન અશોક ગેહલોતે નિવેદન કર્યું હતું કે ગુજરાતમાં સત્તાધારી પક્ષ ભાજપ વિરુદ્ધ વ્યાપક સત્તાવિરોધી છે અને આ વિધાનસભા ચૂંટણીમાં લોકો તેમને પાઠ ભણાવશે. ગુજરાતમાં બે તબક્કામાં ૧ ડિસેમ્બર અને ૫ ડિસેમ્બરે મતદાન થવાનું છે. અશોક ગેહલોતે રાજસ્થાન ડિજીફેસ્ટ ૨૦૨૨ની પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાં મોંઘવારી, વધતી બેરોજગારી અને નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ચિંતાનો વિષય છે અને ત્યાંના લોકો આ મુદ્દાઓ પર મતદાન કરશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે કહ્યું હતું કે હાલમાં વિદ્યાર્થીઓને ન તો નોકરી મળી રહી છે અને ન તો તેમને રોજગારીની તકો આપવામાં આવી રહી છે. નોકરી મળે તો પણ તેમનો પગાર ઓછો છે. કર્મચારીઓ નાખુશ છે. આથી આવનારી ચૂંટણીમાં લોકો ભાજપને પાઠ ભણાવશે. રાજ્યમાં સત્તા વિરોધી લહેર ચાલી રહી છે, જેની અસર આ ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે.

નોંધનીય છે કે ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામવાનો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને ૨૪ વર્ષથી રાજ્યમાં સત્તા પર રહેલી અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતમાં ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે. ગુજરાત ચૂંટણી માટે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના વરિષ્ઠ નિરીક્ષક ગેહલોતે જણાવ્યું હતું કે રાજ્યના લોકો બેરોજગારી અને વધતી મોંઘવારીથી કંટાળી ગયા છે. તેમણે આકરા વાક પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતનું કોઈ મોડલ નથી, લોકો સમજી ગયા છે કે રોજગારની સમસ્યા ભયંકર છે અને રાજ્યમાં મોંઘવારી છે.

ગેહલોતે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સત્તામાં વાપસીનો પણ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે હિમાચલ પ્રદેશની ચૂંઠણી અંગે જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજના હિમાચલ પ્રદેશમાં મુખ્ય મુદ્દા તરીકે ઉભરી આવી છે અને જો સત્તામાં આવે તો તેને પાછું લાવવાની કોંગ્રેસની ખાતરીએ મતદારોને પ્રભાવિત કર્યા છે.કોંગ્રેસ હિમાચલ પ્રદેશની ચૂંટણી જીતશે અને તેની પાછળનું સૌથી મોટું કારણ ઓપીએસ હશે.

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ પર ગેહલોતે કહ્યું કે આ પહેલનું મુખ્ય ફોક્સ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓને ઉજાગર કરવાનો છે અને એ સુનિશ્ર્ચિત કરવાનું છે કે દેશમાં કોઈ હિંસા ન થાય અને લોકો એકબીજા સાથે પ્રેમ, શાંતિ અને સૌહાર્દ દર્શાવે. નોંધનીય છેકે રાહુલ ગાંધી ભારત જોડા યાત્રામાંથી બ્રેક લઇને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવશે.