સંવિધાન સંદર્ભે પવન ખેરાનો આસામના મુખ્યમંત્રી પર વળતો પ્રહાર

નવીદિલ્હી, કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેરાએ સોમવારે આસામના મુખ્ય પ્રધાન હિમંતા વિશ્ર્વ શર્માને સંવિધાન અને રાહુલ ગાંધી વિશેના તેમના દાવા પર વળતો પ્રહાર કર્યો અને તેમને ભારતીય બંધારણની પોકેટ બુક એડિશન મોકલાવી હતી.ખેરાએ શર્માને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તેમણે બંધારણની પોકેટ બુક એડિશનની આ નકલ પોતાની પાસે રાખવી જોઈએ જેથી કરીને તેઓ શીખી શકે કે સરકાર બહુમતીવાદ કે લઘુમતીવાદથી નહીં, પરંતુ બંધારણ દ્વારા ચાલે છે.

તેમણે કહ્યું કે ભારતના બંધારણને ચીન સાથે જોડવું એ બાબાસાહેબ આંબેડકર અને દરેક ભારતીયનું અપમાન છે.વાસ્તવમાં, આસામના મુખ્યમંત્રી શર્માએ ગયા શનિવારે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તેમની રેલીઓમાં ભારતના બદલે ચીનનું બંધારણ બતાવી રહ્યા છે.બીજેપી નેતાએ દાવો કર્યો હતો કે ગાંધીજી જે પુસ્તક બતાવી રહ્યા છે તેમાં મૂળ ચીની બંધારણ જેવું લાલ કવર છે જ્યારે મૂળ ભારતીય બંધારણમાં વાદળી કવર છે.

ખેરાએ શર્માને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે, “તમારી, તમારી પાર્ટી અને તમારી પાર્ટીના નેતૃત્વના ચીન સાથેના સંબંધો કોઈનાથી છુપાયેલા નથી.” જૂન ૨૦૨૦માં ગલવાનની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને જે રીતે ક્લીનચીટ આપી હતી તેનાથી સમગ્ર વિશ્ર્વ હજુ પણ આશ્ર્ચર્યચક્તિ છે.૧૯ જૂન, ૨૦૨૦ નો એ દિવસ હંમેશા ઇતિહાસમાં કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવશે.તેમણે આરોપ લગાવ્યો કે શર્માએ બંધારણને ચીન સાથે જોડીને બાબાસાહેબ ભીમરાવ આંબેડકર, બંધારણ સભા અને દરેક ભારતીયનું અપમાન કર્યું છે.ખેરાએ કહ્યું કે શર્માનું આ પગલું અક્ષમ્ય છે.