મુંબઇ, બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મ નિર્દેશક આદિત્ય ધરના ઘરે નાનકડો મહેમાન આવ્યો છે. જી હા, યામીએ પોતાના પહેલા સંતાનને જન્મ આપ્યો છે. આ વાતની માહિતી સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. યામીએ પોસ્ટમાં લખ્યું છે કે, તેમના ઘરે લડ્ડુ ગોપાલનો જન્મ થયો હતો. એટલું જ નહીં યામીએ પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે.
યામીએ ઈન્સ્ટાગ્રામ પર ભારતીય પૌરાણિક કથાઓથી પ્રેરિત માતા અને પુત્રની તસવીર શેર કરી છે. આ ફોટા પર લખ્યું, “અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે એક નાનો રાજકુમાર અમારા ઘરે આવ્યો છે. વેદવિદ્, જેમણે અખાત્રીજના શુભ દિવસે જન્મ લઈને અમને ગૌરવ અપાવ્યું છે, કૃપા કરીને અમારા પુત્રને તમારા આશીર્વાદ અને પ્રેમ આપો.”
યામી ગૌતમ અને આદિત્ય ધારે તેમના પુત્રને ખૂબ જ ખાસ અને સુંદર નામ આપ્યું છે. નામ વાંચીને સમજાય છે કે આ નામ નક્કી કરતા પહેલા બંનેએ ઘણું વિચાર્યું હશે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આ નામનો અર્થ છે, ‘એ વ્યક્તિ જે વેદોમાં પારંગત હોય’.
યુઝર્સ આ કપલના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. બંનેએ તેમના પુત્રનું નામ ખૂબ જ સુંદર રાખ્યું છે. એક યુઝર્સે લખ્યું છે કે, ‘વેદવિદ- જેને વેદ (સંસ્કૃત)નું જ્ઞાન છે, સુંદર નામ, દંપતીને અભિનંદન. બીજાએ લખ્યું કે, ‘આ લોકો તેમની સંસ્કૃતિ સાથે કેટલા જોડાયેલા છે. ખૂબ જ ખુશ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોવા છતાં પણ તેમનામાં આવા સારા સંસ્કાર છે. ત્રીજા યુઝર્સે લખ્યું કે, ખૂબ જ સારૂં નામ વિચાર્યું. ‘ અભિનંદન!’