દે.બારીઆ, દાહોદ જિલ્લામાં લગ્ન ગાળો ચાલી રહ્યો છે ત્યારે ડી.જે.ના કારણે ધણા લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોવાના કારણે પોલીસ દ્વારા વિસ્તાર પ્રમાણે ડીસેબલ નકકી કરવામાં આવ્યા છે. ત્યારે પીપલોદ પંથકમાં ઉંચા અવાજે વાગતા ચાર ડી.જે.પોલીસ દ્વારા કબ્જે લેવાયા હતા. ડી.જે.વગાડવા મામલે પરવાનગી સાથે કેટલાક પાસે ટેમ્પોના કાગળો પણ નહિ મળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ઉંચા અવાજે વાગતા ડી.જે.સંચાલકોને કોર્ટની ગાઈડલાઈન મુજબના ડીસેબલથી ડી.જે.વગાડવા માટે નિર્દેશ કરાયા છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં તેનુ પાલન કરવામાં આવતુ ન હોવાથી પોલીસે આવા ઉંચા અવાજે વાગતા ડી.જે.પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે રાતના સમયે નીકળેલ પીપલોદ પોલીસે પીપલોદ આસપાસના ગામોમાં ઉંચા અવાજે વાગતા ચાર ડી.જે.ટેમ્પો જપ્ત કર્યા હતા. હાલ લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે તેમાં બેફામ રીતે ડી.જે.વગાડવામાં આવતા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.કોઈપણ પ્રસંગે મામલતદાર અને પોલીસની પરવાનગીની જરૂરિયાત હોય છે ત્યારે પકડાયેલા ડી.જે.સંચાલકો પાસે આ પરવાનગીના અભાવ સાથે કેટલાક પાસે તો ડી.જે.ટેમ્પોના વ્યવસ્થિત કાગળો પણ નહિ હોવાને કારણે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.