સુ પ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે જગતજનની માં કાલી બિરાજમાન છે. જ્યાં પ્રતિવર્ષે ૫૦ લાખ ઉપરાંત માઇભકતો માતાજીના ચરણોમા શીશ ઝૂકાવવા આવતા હોય છે . આ ભક્તોની યાત્રા સરળતાથી તેમજ સુગમ રીતે થાય તે અર્થે રાજ્ય સરકાર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ મંદિર ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી સન ૨૦૧૬ થી ૧૨૫ કરોડના પાવાગઢ વિકાસ કાર્યો ચાલુ છે. જેમાંથી અમુક કાર્યો પૂર્ણ થયા છે. જ્યારે બાકીના કાર્યો હાલમાં કાર્યરત છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વધુ એકથી દોઢ વર્ષ જેટલો સમય લાગવાનું જાણવા મળે છે.
હાલમાં ડુંગર પર નિજ મંદિરના જિર્ણોદ્ધારનું કાર્ય પૂરજોશમાં ચાલુ છે. જેમાં નિજ મંદિરને મૂળ અવસ્થામાં રાખી ભક્તોના વધુ પ્રવાહને ધ્યાનમાં રાખી ભક્તો સુગમતાથી દર્શન કરી શકે તે હેતુથી મંદિર પરિસરનો ભાગ પહોળો કરવામાં આવી રહ્યો છે જ્યારે મૂળ મંદિરના ઉપરના ભાગે ત્રણ શિખર બનાવવામાં આવનાર છે. જેમાં મુખ્ય શિખરની ઉંચાઇ ૫૧ ફૂટ અને ૧૧ ઇંચ રાખવામાં આવેલ છે. એ જ રીતે તેની પહોળાઇ ૪૨. ૯ ફૂટ જ્યારે લંબાઈ ૮૩ ફૂટ રાખવામાં આવેલ છે. આમ નવનિર્મિત મંદિર પરિસરનું નિર્માણ એટલે કે શિખર તેમજ પરિસર સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સાથેનું પ્રસાદ સ્થળ જેની ડિઝાઇન કાલિકા માતાના યંત્ર આધારિત બનાવવામાં આવનાર છે મંદિરના ત્રણ શિખરો તેમજ પરિસરના ડેવલોપમેન્ટ પાછળ અંદાજિત ૩૦ કરોડ જેટલો ખર્ચ થનાર છે.
પાવાગઢ નીજ મંદિર ખાતે નિર્માણ પામનાર શિખરો તેમજ તેના સ્તંભો અને મંદિરની ઉપર ઘુમ્મટના ભાગની ડિઝાઇનને આધ્યાત્મિકતા સાથે સાંકળી લેવામાં આવી છે. સોમનાથના અતિભવ્ય મંદિરની ડિઝાઇન જે આર્કિટેક દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. તે જ આર્કિટેક પાસે પાવાગઢ મંદિરની ડિઝાઇન તૈયાર કરવામાં આવેલ છે.
હાલમાં આ મંદિર પરિસર પહોળું કરવા તેમજ શિખરના નિર્માણકાર્ય માટે મંદિરની ચારેબાજુ મજબૂત પ્રોટેક્શન વોલને કાર્ય પૂર્ણતાના આરે છે. આ કાર્ય પૂર્ણ થયા બાદ શિખરની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
જ્યારે હાલમાં છેલ્લા બે વર્ષથી ચાલતું માંચીથી ડુંગર સુધીના પગથિયાનું નિર્માણાધીન કાર્ય પૂર્ણ થવા તરફ છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં આ પગથીયા ૩ મીટરના છે. જે પહોળા કરી પાંચ મીટરના કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત માંચી તેમજ દુધિયા તળાવ ખાતે આધુનિક ટોયલેટની કામગીરી પૂર્ણ થયેલ છે. ભદ્રકાળી મંદિરનો એપ્રોચ રોડ પૂર્ણ થયેલ છે. આ ઉપરાંત ટંકશાળાને જોડતો એપ્રોચ રોડ પણ પૂર્ણ થયેલ છે. આ એપ્રોચ રોડ બનતા ખાપરા ઝવેરીના ઐતિહાસિક મહેલ સુધી પહોંચવાનું સરળ બનેલ છે જ્યારે તળેટી ખાતે પાવાગઢ ડુંગર પર જવાના પ્રવેશ દ્વાર પર આકર્ષક ગેટ નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે સાથે સાથે તળેટીથી ડુંગર સુધી ઠેરઠેર વિશ્રામ સ્થળ ઉભા કરવામાં આવ્યા છે.