વિરપુર પાણી પુરવઠા વિભાગ દ્વારા રળિયાતા ગામે પાણીની વ્યવસ્થા કરાઈ

વિરપુર, વિરપુર તાલુકાના રળિયાતા ગામે પીવાના પાણીના પ્રશ્ર્ને લઈ મુખ્યમંત્રીને રજુઆત કરાઈ હતી. જેનો ગણગણાટ ચાલુ થતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા સત્વરે રળિયાતા ગામમાં પાણીની વ્યવસ્થા કરતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી.

બોર્ડ નિગમના નવીન ધારા ધોરણ મુજબ બાયપાસ કનેકશન દુર કરવા માટે ખેરોલી જુથ સુધારણા યોજનાની કામગીરી કરવામાં આવતા રળિયાતા ગામે જુની લાઈન રદ્દ કરવામાં આવી હતી. જેથી અગાઉના બાયપાસ કનેકશનોથી પાણી પુરવઠો બંધ થયેલ પરંતુ ગામના કુવામાં પાણી હોવા છતાં ગ્રામ પંચાયત અને અને પાણી સમિતી બેદરકારીના લીધે અન્ય વ્યવસ્થા હોવા છતાં કરવામાં આવતી નહોતી.તેમજ બોરમાં પાણી ખારાશ તેમજ પીવા લાયક ન હોવાથી ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ હતી. જેને પગલે ગ્રામજનોએ મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ સહિત રજુઆત કરી હતી. પાણી પુરવઠા વિભાગ વિરપુર દ્વારા યુદ્ધના ધોરણે સંપની લાઈન બોરના કનેકશનવાળી લાઈન સાથે જોડવાની પ્રક્રિયા હાથ ધરતા સમગ્ર ગામમાં પીવાલાયક પાણી મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.